અમદાવાદ : માણેક ચોક અમદાવાદની શાન કહેવાય છે. ખાણીપીણીનું ઠેકાણું એવું માણેકચોક અમદાવાદના મધ્યમાં આવેલું છે. અમદાવાદીઓ અને ગુજરાતના તમામ લોકોએ એક વખત તો માણેકચોકનો સ્વાદ અને અમદાવાદની ઓળખ સમા માણેકચોકમાં મુલાકાત લીધી જ હોય છે, પરંતુ અમદાવાદના માણેકચોકમાં છેલ્લા ત્રણ દિવસથી સ્થિતિ બગડી છે, એટલું જ નહીં, અચાનક ત્યાંથી ટેબલ ખુરસી ગાયબ થયા છે.
વાસ્તવમાં અમદાવાદના માણેકચોક ખાણીપીણીના બજારમાં AMC અને સ્થાનિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. રસ્તા પર મુકાતા ટેબલ, ખુરશી હટાવી લેવાનો આદેશ કર્યો છે. દબાણ દૂર કરવાના હેતુથી બજારમાં AMCએ આ કાર્યવાહી કરી છે. AMCની કાર્યવાહીને લઈ સ્થાનિક વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિવિધ નિયમો લાગૂ કરીને હેરાન કરતું હોવાનો આક્ષેપ વેપારીઓએ કર્યો છે. કોર્પોરેશન દ્વારા રસ્તા પર મુકતા ટેબલ ખુરશી હટાવી લેવાનો ફરમાન કરાયો છે. જેથી ગઈકાલે વેપારીઓએ લોકોને નીચે બેસાડીને જમાડ્યા હતા. લોકો પણ નીચે પાથરેલા પ્લાસ્ટિક પર બેસીને જમવા મજબૂર થયા હતા.
ફૂડ સ્ટોલ માલિકોના જણાવ્યા પ્રમાણે ગ્રાહકોને જમીન પર બેસી જમવું અગવડભર્યું લાગી રહ્યું છે. ટેબલ-ખુરશી સરખામણીમાં જમીન પર ઓછા ગ્રાહકોને બેસાડી શકાય છે. ઉપરાંત સ્વચ્છતા જાળવવામાં પણ તકલીફ પડી રહી છે. ઘણા ગ્રાહકો, જેઓ જમીન પર બેસી શકતા નથી અથવા બેસવા તૈયાર ન હતા, તેઓ માણેકચોકથી પાછા ફરી રહ્યા છે. માણેક ચોક આપણા શહેરનો વારસો છે.