અમદાવાદ : ગુજરાતી ઠગ એટલે કે મિ.નટવરલાલ કિરણ પટેલે JK ના સરકારી અધિકારીઓને PMOના અધિકારી હોવાનુ કહીને છેતર્યા હોવાની એક ઘટના સામે આવી છે. ઠગબાજની ઠગાઇના અનેક કિસ્સા આપે જોયા હશે, પણ આજે અમે તમને આ મહાઠગ કિરણ પટેલ વિશે જણાવવાના છીએ. જેની ઠગાઇનો શિકાર ઉચ્ચ અધિકારીઓ બન્યા છે. જો કે CIDના ગુપ્ત સૂત્રોના કારણે આ ઠગ કિરણ પટેલને ઝડપી લેવામાં આવ્યો છે.
કિરણ પટેલના કારસ્તાન પર નજર કરીએ તો આરોપી કિરણ પટેલે JKમાં PMOના અધિકારીની ઓળખ આપીને સરકારી કર્મચારીઓને છેતર્યા હતા. એટલું જ નહીં આ ઠગે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી. ખાસ વાત એ છે કે આરોપી કિરણે PMO ઓફિસના નામે પોલીસ પ્રોટેક્શન અને ઝેડ પ્લસ સિક્યોરિટી મેળવી હતી, તો ફાઈવ સ્ટાર હોટલના રૂમની બહાર પોલીસ પણ ઊભી રાખી હતી.
મહત્વનું છે કે, આ ગુજરાતી ઠગ કિરણ પટેલે આ વર્ષની શરુઆતમાં શ્રીનગરમાં પોતાની બે મુલાકાત દરમિયાન અધિકારીઓ સાથે કેટલીક બેઠકો પણ કરી હતી. પોતાને PMO માં રણનીતિ અને અભિયાનોની જવાબદારી સંભાળનારા અને એડિશનલ ડિરેક્ટર તરીકેની ઓળખ આપનારા કિરણ પટેલને લગભગ 10 દિવસ પહેલાં ઝડપી પાડવામાં આવ્યો હતો, પરંતુ તેની ધરપકડની વાત પોલીસે ગુપ્ત રાખી હતી. ગુરુવારે મેજિસ્ટ્રેટ દ્વારા તેને જ્યુડિશ્યલી કસ્ટીમાં મોકલ્યા બાદ સમગ્ર મામલો સામે આવ્યો હતો.
હદ તો ત્યારે થઇ જ્યારે કડક સુરક્ષા બંદોબસ્ત સાથે તેણે શ્રીનગરના લાલચોક અને ગુલમર્ગની પણ મુલાકાત લીધી. સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ આરોપી કિરણ પટેલ ગયા વર્ષના ઓક્ટોબરથી કાશ્મીર ખીણની મુલાકાતે હતો. ધરપકડ કરવામાં આવે તે પહેલા કિરણે ઉરીની કમાન પોસ્ટથી, નિયંત્રણ રેખાની નજીક, શ્રીનગરના લાલ ચોક સુધી પોલીસ પ્રોટેક્શનમાં ફરી આવ્યો હતો.