અંબાજી : વિશ્વ પ્રસિદ્ધ માં અંબાના ધામમાં 15 દિવસ બાદ મોહનથાળનો પ્રસાદ શરૂ કરાતાં ભક્તોમાં ભારે ખુશી જોવા મળી છે.અંબાજી મંદિરમાં ભક્તોને મોહનથાળનો પ્રસાદ મળી રહે તે માટે રોજના 3250 કિલો મોહનથાળ બનાવવામાં આવી રહ્યો છે અને ભક્તોને અપાઈ રહ્યો છે મોહનથાળનો પ્રસાદ ફરીથી શરૂ કરાતાં બેરોજગાર બનેલી બહેનોને ફરીથી કામ મળતાં તેઓ પણ માતાજીનો આભાર માની રહ્યા છે.
યાત્રાધામ અંબાજીમાં વર્ષો જુની પરંપરા તોડી સરકાર દ્વારા મોહનથાળનો પ્રસાદ બંધ કરી ચિક્કીનું વિતરણ શરૂ કરાયું હતું. જેમાં ધાર્મિક સંગઠનો અને ભક્તોએ સરકાર સામે આક્ષેપો સાથે મોહનથાળ ફરી શરૂ કરવા માંગ કરી હતી. આખરે 12 દિવસ બાદ સરકારે મોહનથાળનો પ્રસાદ શરૂ કરવા સંમતિ આપતાં ભક્તજનોમાં આનંદની લાગણી છવાઈ હતી. પ્રથમ દિવસે 3250 કિલો મોહનથાળનું વિતરણ કરાયું હતું. સાથે સાથે મોહનથાળ બનાવતી બહેનોની રોજગારી પુનઃ મળવાની આશા બંધાતાં મા અંબાના મંદિરે ધજા ચઢાવી હતી.
અંત્રે ઉલ્લખનીય છે કે વર્ષોથી અહીં મોહનથાળનો પ્રસાદ મળતો હતો. આ પ્રસાદ બનાવવા ૩૦૦ જેટલી સ્થાનિક બહેનોને રોજગારી મળતી હતી. ટ્રસ્ટના નિર્ણયન લીધે તેમનું કામ છીનવાઈ ગયું હતું.અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ શરુ થવાની સાથે જ ભક્તોમાં આનંદની લાગણી છવાઈ છે. ભક્તોએ કહ્યું કે સત્તાધીશોએ જે પણ નિર્ણય લીધો છે તે આવકારદાયક છે. જે પ્રસાદ પરંપરાગત રીતે ચાલુ હતો તેને ચાલુ રાખીને તંત્રએ યોગ્ય નિર્ણય લીધો છે.