અમદાવાદ : અમદાવાદની શાન ગણાતા માણેકચોકમાં થોડા દિવસો પહેલા ટેબલ ખુરશી હટાવી લેવામાં આવ્યા હતા. ટેબલ ખુરશીના કારણે ટ્રાફિકની સમસ્યા થતી હોવાને કારણે ટેબલ ખુરશી હટાવવામાં આવ્યા હોવાની માહિતી પોલીસ દ્વારા આપવામાં આવી હતી. આ કારણે અમદાવાદના નાગરિકોએ અને માણેક ચોકના ધંધાર્થીઓએ વિરોધ કર્યો હતો ત્યારે હવે આ વિવાદનો અંત આવ્યો છે. પોલીસ અને વેપારીઓ વચ્ચે સમાધાન થયુ છે.
મહત્વનું છે કે છેલ્લા 5 દિવસથી માણેકચોકની રોનક ફિક્કી પડી હતી અને માણેકચોકમાં ખાવા આવતા લોકો ટેબલ ખુરશી વિના નીચે બેસીને જમવા મજબૂર બન્યાં હતા. તો કેટલાક તો ટેબલ ખુરશી ન જોતા ખાધા વિના જ પરત ફરી રહ્યા હતા. જો કે હવે સમાધાન થતાં ફરી બજાર ધમધમતુ થયું. તો વેપારીનું કહેવું છે કે અમારે વેપારીઓ વચ્ચે કોઇ આતંરિક વિવાદ નહોતો. અહીંના સ્થાનિકોની કેટલીક મુશ્કેલીને કારણે પોલીસે ખુરશી હટાવવા કહ્યું હતું પરંતુ હવે શાંતિથી અને કોઇને નડતર રૂપ ન થાય તેમ બજારમાં ખુરશી ટેબલ રાખવા તેવી બાંહેધરી બાદ પોલીસ સાથે સમાધાન થયું છે.
બીજી બાજુ પોલીસ દ્વારા પણ વહીવટદારોનો ત્રાસ અટકાવવાની ખાતરી આપવામાં આવી હતી. તમામ સમસ્યાનું સુખદ સમાધાન થતા રાત્રિ બજારના વેપારીઓમાં હર્ષની લાગણી જોવા મળી હતી.