અમદાવાદ : અમદાવાદમાં ધાર્મિક યંત્રની આડમાં ધમધમતા ઓનલાઇન જુગાર પર સ્ટેટ મોનિટરિંગ સેલે સકંજો કસ્યો છે. શહેરના ગોતા વિસ્તારમાં યંત્ર પર રમાડતા જુગાર પર SMCએ દરોડા પાડ્યા હતા. અને જુગાર રમાડનાર નરેન્દ્ર ઠક્કર સહિત 9 શખ્સની ધરપકડ કરી હતી. ગોતામાં નવદુર્ગા શોપિંગ સેન્ટરમાં દુકાન રાખી આરોપી યંત્રના ચિન્હ પર જુગાર રમાડતો હતો.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ ગોતામાં નવદુર્ગા શોપિંગ સેન્ટરમાં દુકાન રાખી આરોપી યંત્રના ચિન્હ પર જુગાર રમાડતો હતો.યંત્રના ચિન્હ પર 10 રૂપિયા લગાડી દસ ગણા રૂપિયા મળશે તેવી લાલચે જુગાર રમાડતો હતો. સ્થાનિક પોલીસને ઉંઘતા ઝડપી સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા હતા. અને રોકડ, ટીવી, મોબાઇલ, ટુ વ્હિલર સહીત રૂ.1.97 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. મહત્વનું છે કે, અગાઉ ખાડીયા અને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ પ્રકારના ઓનલાઈન જુગારની દુકાનો સામે આવતા કાર્યવાહી થઈ હતી.
આ અગાઉ પણ ન્યુ રાણીપ, ખાડીયા અને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરોડા પાડીને ઓનલાઈન જુગારધામ ઝડપી લીધા હતા. આ ઓનલાઇન જુગારમાં યંત્રના ચિન્હ પર 10 રૂપિયાની સામે 100 રૂપિયા આપવાની લાલચ આપી લોકો પાસેથી પૈસા પડાવવામાં આવે છે. હવે અમદાવાદમાં આ પ્રકારે ઓનલાઈન જુગાર રમાડતા તત્વો એક્ટિવ થયા હોવાથી પોલીસે તેમને ઝડપી લેવાની કવાયત શરૂ કરી છે.