અમદાવાદ : શહેરના હાટકેશ્વર બ્રિજ મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચાલતા ભ્રષ્ટાચારને લઈ આજે વિપક્ષ કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસ દાણાપીઠની બહાર વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણની આગેવાનીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કોર્પોરેટરો અને કાર્યકર્તાઓએ ચક્કાજામ કર્યો હતો. તમામ લોકોએ કાળા કપડાં પહેરીને વિરોધ કર્યો હતો. પ્રજાના પૈસાનો ભ્રષ્ટાચાર કરાતો હોવાને લઇ ટેક્સ બિલ બાળીને વિરોધ કરાયો હતો. કમિશનરને આવેદનપત્ર આપીને ભ્રષ્ટાચાર તેમજ ગેરરીતિ કરનારા લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી.
AMC વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે જણાવ્યુ હતુ કે, ‘અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં ચાલતી ગેરરીતિઓ અને ભ્રષ્ટાચાર ડામવા તપાસના આદેશો કમિશનર દ્વારા અપાવવા જોઇએ. ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા જવાબદાર કસૂરવારો સામે કાર્યવાહીના આદેશ આપવા જોઇએ. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન જેવી સંસ્થાને માથે લાગેલા ભ્રષ્ટાચારનાં ટેગને નાબૂદ કરવા યોગ્ય કાર્યવાહી કરે તેવી માગ કમિશનર સમક્ષ આવેદન પત્ર આપી કરી છે.’
વિપક્ષે કયા-કયા આરોપો લગાવ્યાં?
હાટકેશ્વર બ્રિજના કામમાં થયેલી ગેરરીતિ અને ભષ્ટ્રાચાર રોડ રીસરફેસના કરોડો રૂપિયાના કાર્યોમાં હલકી ગુણવત્તાવાળા કામ થયું
કાંકરીયા વોટરપાર્ક, વસ્ત્રાપુર એમ્યૂઝમેન્ટ પાર્કના કોન્ટ્રાક્ટરનો ભૂતકાળ વિવાદિત હોવા છતાં તેને બ્લેકલિસ્ટ કરવાને બદલે વધુ નવા કામો આપ્યાં
ભષ્ટ્રાચારને કારણે નાણાંકીય પરિસ્થિતિ ખાડે જવી વિકાસ કાર્યો કરવા માટે મ્યુ. કોર્પોને દેવું કરવું પડ્યું હતું
મ્યુનિસિપલ કમિશનરને બજેટમાં કાપ મૂકવો પડ્યો છે એટલે વિકાસના કામો દેવું કરીને કરવાના થાય છે
કચરાના નિકાલના નામે સ્માર્ટ ભ્રષ્ટાચાર
પીપીપી ધોરણે મળતીયા કંપની/કોન્ટ્રાકટરોને લ્હાણી
હાઉસિંગ પ્રોજેકટ તથા એ.એમ.ટી.એસના વિવિધ કાર્યો
ડ્રેનેજ પ્રોજેકટ તથા વોટર પ્રોજેક્ટના વિવિધ કામો પણ ભ્રષ્ટાચાર થયો