અમદાવાદ : મોટેભાગે ફોન ચોરી કે ગુમ થયા બાદ અરજદારો ફોન પરત મળે તેવી આશા છોડી દેતા હોય છે અમુક કિસ્સામાં પોલીસ પણ મોબાઈલ ચોરીમાં ખાસ ધ્યાન ન આપતી હોવાની પણ લોકો ફરિયાદ કરી રહ્યા હોય છે ત્યારે અમદાવાદના દરિયાપુર પોલીસે આ માન્યતા વિરુદ્ધ 16 અરજદારના મોબાઇલને ટ્રેસ કરી ફોન મેળવી મૂળ માલિકને માત્ર અરજીના આધારે પરત કરવામાં આવ્યા છે. જેથી અરજદારોને પોલીસ સ્ટેશનના ધક્કા અને હેરાનગતિ થતી અટકી છે.
પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં મોબાઈલ ખોવાઈ જવા અંગે અલગ અલગ અરજદારો દ્વારા અરજીઓ કરવામાં આવી હતી. જેના આધારે દરિયાપુર પોલીસે 16 જેટલા અરજદારના મોબાઈલ ફોન ઉપરથી ટ્રેસ કરીને મેળવી લીધા હતા અને તે મોબાઈલ ફોન મૂળ માલિકને માત્ર અરજીઓના આધારે પરત કરવામાં આવ્યા છે. જેથી કરીને મોબાઈલના માલિકને પોલીસ સ્ટેશનના ધક્કા અને હેરાનગતિ થતી અટકી હોવાનું દરિયાપુર પોલીસ સ્ટેશનના પીઆઇ જે એચ ચૌધરીએ જણાવ્યું છે.
દરિયાપુર પોલીસના પ્રયાસને કારણે અરજદારને ઘણી રાહત મળી છે. જેથી મોબાઇલ માલિકોએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. તો અમદાવાદમાં કાલુપુર ચોખા બજાર તેમજ કાલુપુર શાકમાર્કેટ સહિતના ખરીદી બજારમાં મોટી સંખ્યામાં ભીડ જામતી હોવાથી મોબાઈલ ચોરી કે ગુમ થવાની ઘટનાઓ અટકાવવા માટે પોલીસે ખાસ પોઇન્ટ મૂકીને બંદોબસ્ત ગોઠવવામાં આવશે.