અમદાવાદ : સાબરમતી રિવરફ્રંટ ઈવેન્ટ સેન્ટર પાસેથી પસાર થયા હશો તો તમે નકલી પગ લગાવેલા એક મહિલાને ચા વેચતાં કદાચ નજરે પડ્યા હશે. અહીં ચાની કીટલી ચલાવતાં નેહા ભટ્ટના હિંમત, સાહસ અને મહત્વાકાંક્ષાના કિસ્સાએ સોશિયલ મીડિયા પર તરખાટ મચાવ્યો છે. નેહા ભટ્ટે 18 મહિના પહેલા અકસ્માતમાં તેમનો પગ ગુમાવ્યો હતો. તાજેતરમાં જ તેમણે રિવરફ્રંટ પાસે ‘એમ્પ્યુટી’ નામનો ટી-સ્ટોલ શરૂ કર્યો છે.
નવેમ્બર-2021માં નેહા જ્યારે અમદાવાદથી સૌરાષ્ટ્રના મહુવા ખાતે બસમાં મુસાફરી કરી રહી હતી ત્યારે તેને ગંભીર અકસ્માત નડ્યો હતો. તેની બસની સામેની દિશામાંથી આવી રહેલી એક ટ્રકે નેહાની બસને જોરદાર ટક્કર મારી હતી. જેમાં નેહાને ગંભીર ઇજા થઇ હતી, જેના પગલે તેને અસારવા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. તેનો ડાબો પગ ખૂબ જ ખરાબ રીતે છુંદાઇ ગયો હતો.જેથી નેહાને બચાવી લેવાના હેતુથી ડોક્ટરોને તેનો ડાબો પગ કાપી નાંખવાની ફરજ પડી હતી.
આ દુર્ઘટના બાદ નેહાને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ આ બહાદુર નેહા સહેજપણ હિંમત હારી નહોતી. બાદમાં ક્રાઉડ ફંડિંગની મદદથી તેણે રૂ. 10 લાખનું ભંડોળ એકઠું કર્યું હતું. આ અકસ્માત બાદ તેને જુદા જુદા પ્રકારની મેડિકલ પ્રક્રિયામાંથી પસાર થવું પડ્યું હતું અને છેલ્લે તેનો પગ કાપી નાંખી તેના સ્થાને કૃત્રિમ પગ બેસાડવામાં આવ્યો હતો.
અહીંથી જ તેમના જીવનમાં સંઘર્ષની શરૂઆત થઈ હતી. પરંતુ તેમણે હાર ના માની અને ક્રાઉડ ફંડિંગ થકી ઓપરેશન માટે 10 લાખ રૂપિયા એકત્ર કર્યા હતા. કેટલીય મેડિકલ પ્રક્રિયામાંથી પસાર થયા અને લોકોએ કરેલી મદદને પગલે તેઓ પોતાના માટે પ્રોસ્થેટિક લેગ બનાવડાવી શક્યા હતા. નેહા પ્રી-પ્રાયમરી ક્લાસના શિક્ષિકા હતા પરંતુ અકસ્માતના કારણે તેઓ બાળકોની કાળજી રાખી શકે તેમ નહોતા એટલે નોકરી ગુમાવવાનો વારો આવ્યો હતો.
સ્વભાવે બહાદુર અને આત્મસન્માન વાળી નેહાએ કોઇના પણ માથે પડ્યા વિના માતા-પિતાની મદદથી શહેરના રિવરફ્રન્ટ ઉપર ટી-સ્ટોલ શરૂ કર્યો. નેહાની કીટલીના ફોટોઝ અને વિડીયોઝ સોશિયલ મીડિયા પર ધીમે-ધીમે વાયરલ થતાં રહ્યા. જે બાદ લોકો આવતા ગયા અને તેમને સપોર્ટ કરતાં ગયા. એક પગે ઉભા રહીને ટી-સ્ટોલ ચલાવતી નેહા ભટ્ટને સો-સો સલામ…