અમદાવાદ : શહેરના પૂર્વના ખોખરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ હાઉસિંગ બોર્ડના એક મકાનમાં ગેરકાયદે દારૂનો જથ્થો સંતાડી રાખ્યો હોવાની બાતમી મળી હતી. આ બાતમીને આધારે પોલીસ રેડ કરવા ગઇ હતી. પોલીસ રેડ કરવા ગઇ ત્યારે બાતમી મુજબનું કંઇ મળ્યું નહોતું, પણ રેડ દરમિયાન પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે ત્યાં એક શખ્સ આવ્યો હતો અને તેણે પોલીસને જોઇને પોલીસ આ બધુ ખોટું કરી રહ્યા છો, હું તમારી નોકરી ખાઇ જઇશ, તમારા બધાના ટોપી પટ્ટા ઉતરાવી દઇશ. જેથી ખોખરા પોલીસે આ મામલે દંપતી સામે ગુનો નોંધી આરોપી પતિની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે ખોખરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાઉસિંગના મકાનમાં રહેતા જૈમિન બારોટના મકાનમાં ગેરકાયદે દારૂ છુપાયો હોવાની પોલીસને બાતમી મળી હતી. પોલીસે આ મકાનમાં બાતમીને આધારે રેડ પાડતાં બાતમીમાં જાણવા મળેલ ચીજવસ્તુ જેવું કંઈ મળ્યું નહોતું. પરંતુ આ દરમિયાન એક વ્યક્તિ નીચેથી બુમો પાડવા લાગ્યો હતો કે, તમે આ બધુ ખોટું કરી રહ્યા છો, હું તમારી નોકરી ખાઇ જઇશ, તમારા બધાના ટોપી પટ્ટા ઉતરાવી દઇશ. મને ઓળખતા નથી એવું કહીને બબાલ શરૂ કરી હતી. જેથી પોલીસે આ શખ્સને પકડ્યો હતો અને પોલીસ સ્ટેશન લઈ જતી વખતે ત્યાં તેની પત્ની આવી ગઇ હતી અને તેણે પણ કહ્યું હતું કે મારા પતિને ક્યાં લઇ જાવ છો. તેને છોડી દો, કહીને બુમાબુમ કરવા લાગી હતી.
જેથી પોલીસની ટીમે મહિલા પોલીસને બોલાવી હતી, પણ તે મહિલાએ પોલીસ સાથે પણ બબાલ કરી મહિલા પોલીસ સાથે ઝપાઝપી કરી એક મહિલા કોન્સ્ટેબલને નીચે પાડી દીધી હતી. બાદમાં આ ધવલ બારોટની પત્ની ત્યાંથી જતી રહી હતી. ખોખરા પોલીસે આ મામલે દંપતી સામે ગુનો નોંધી ધવલ બારોટને સ્થળ પરથી ઝડપી પાડી તેની પત્નીની શોધખોળ હાથ ધરી છે.