અમદાવાદ : આગામી 3 એપ્રિલના રોજ જૈન ધર્મના તીર્થકર ભગવાન સ્વામી મહાવીરની જન્મ કલ્યાણકની ઉજવણી જૈન સમુદાય ભક્તિભાવ પૂર્વક ઉજવણી થનાર છે.અહિંસા પરમો ધર્મમાં માનનારા ભગવાન મહાવીરના જન્મ દિવસે અમદાવાદ શહેરમાં કતલખાના, ચિકન-મટન શોપ બંધ રાખવા માટે પાલડી વોર્ડના કોર્પોરેટર અને રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી માંગણી કરી છે. એનિમલ વેલ્ફેર બોર્ડ દ્વારા પણ મહાવીર જયંતિના દિવસે રાજ્યોમાં કતલખાના બંધ રાખવા આદેશ કર્યો છે, ત્યારે શહેરમાં ચાલતી તમામ ચિકન-મટનની દુકાનો પણ બંધ રાખવા માટે આદેશ કરવા માગ કરી છે.
આગામી 3 એપ્રિલના રોજ મહાવીર જયંતિને પગલે અમદાવાદમાં કતલખાના, ચિકન-મટન શોપ બંધ રાખવા માટે પાલડી વોર્ડના કોર્પોરેટર અને રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી માંગણી કરી છે કે અમદાવાદ શહેરમા જૈન સમાજની ઘણી વસ્તી છે. જૈન સમાજ આ તહેવાર “અહિંસા પરમો ધર્મ”ના સિદ્ધાંતને અનુસરી ખૂબજ હર્ષોલ્લાસ સાથે ઉજવે છે. જૈન ધર્મના લોકોની ધાર્મિક લાગણી ન દુભાય અને ભાવનાને ઠેસ ન પહોંચે તે માટે શહેરમાં ચાલતી તમામ ચિકન-મટનની દુકાનો પણ બંધ રાખવા માટે આદેશ કરવા માગ કરી છે.