અમદાવાદ : અમદાવાદમાં છેતરપિંડીનાં કેસોમાં બેફામપણે વધારો થઈ રહ્યો છે. દિવસે-દિવસે ઠગો સામાન્ય લોકોને મુર્ખ બનાવવા નવા પેંતરા અજમાવી રહ્યા છે અને લોકોને છેતરી રહ્યાં છે. અમદાવાદમાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં યુવકને OLX પર કેમેરો ભાડે આપવો ભારે પડી ગયો છે. દરરોજનાં હજાર રૂપિયાની લાલચમાં કેમેરો ભાડે આપ્યા બાદ ભાડે લઈ જનાર યુવક કેમેરો પરત આપવા ન આવતાં યુવકે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદનાં નવા વાડજ વિસ્તારમાં રહેતાં સાહસ શાહ એક ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીમાં નોકરી કરે છે. તેમણે પોતાનો કેમેરો ભાડે આપવા માટે OLX નામની એપ્લિકેશનમાં જાહેરાત મુકી હતી. ત્યારબાદ એક વિજય પાટીલ નામનો ઈસમ કેમેરો ભાડે લેવા માટે આવ્યો હતો. તેણે આ કેમેરાનું પ્રતિદિન એક હજાર રૂપિયા ભાડુ નક્કી કર્યું હતું. સાહસે વિજય પાટીલનું આઈડીકાર્ડ જોઈ અને ફોન નંબર લઈને વિજય પાટીલ પાસેથી 1500 રૂપિયા ડિપોઝિટ પેટે લઈને એક દિવસ માટે કેમેરો ભાડે આપ્યો હતો.
એક દિવસ બાદ સાહસે જ્યારે વિજયને ફોન કર્યો તો તેણે કહ્યું હતું કે, ‘હું તમને આવતીકાલે સવારે કેમેરો પાછો આપી જઈશ.’ સાહસે જ્યારે બીજા દિવસે તેને ફોન કર્યો તો તેનો ફોન સ્વિચ ઓફ આવતો હતો અને વ્હોટ્સએપ પર પણ કોઈ જવાબ આપતો નહોતો. જેથી સાહસે તેના સરનામે તપાસ કરી અને ત્યાં રુબરુ પહોંચ્યો તો ખબર પડી કે, વિજય ભાડાનું મકાન ખાલી કરીને જતો રહ્યો છે. આ જાણ થતા જ સાહસે તુરંત આ ઈસમ વિરુદ્ધ વાડજ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
આ અગાઉ થોડા સમય પહેલા અમદાવાદ પોલીસે એવા શખ્સોની ધરપકડ કરી હતી, કે જેઓ અલગ-અલગ શહેરોમાંથી કેમેરા ભાડેથી લઈ બારોબાર સસ્તા ભાવે વેચી નાખી છેતરપિંડી આચરતા હતા. પકડાયેલા આરોપીઓ છેલ્લા ઘણા સમયથી આજ મોડેસ ઓપરેન્ડીથી કૅમેરા ભાડે લેવા સંપર્ક કરતા અને ત્યારબાદ કેમેરો લઇ જઈ બારોબાર સસ્તા ભાવે વેચી દેતા હતા.જેથી ભાડે આપતા પહેલા લોકોએ ચેતવું જોઈએ.