અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગને ચેકિંગ દરમિયાન કેલિકો મિલ કમ્પાઉન્ડમાં પાણીપુરી બનાવનાર ધંધાર્થી પાસેથી મોટા પ્રમાણમાં સડેલા બટેકા અને ચણાનો જથ્થો મળી આવ્યો હતો, જેને ફૂડ વિભાગ દ્વારા નાશ કરવામાં આવ્યો હતો. સડેલા બટેકા મામલે ફૂડ વિભાગે કુબેરનગર અને જમાલપુર શાકમાર્કેટમાં તપાસ કરી હતી. જેમાં કુબેરનગરમાં ગજાનંદ શાક માર્કેટમાં એ. આર આલુ ભંડાર દુકાનમાં સડેલા બટાકા મળી આવતાં તેને સીલ કરવામાં આવી હતી. છેલ્લા બે દિવસમાં 237 દુકાનો સહિત વિવિધ જગ્યાએ ચેકિંગ કર્યું હતું જેમાં 690 કિલો બિન આરોગ્યપ્રદ જથ્થાનો નાશ કર્યો હતો.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા અખાદ્ય પદાર્થ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે મામલે ચેકિંગ દરમિયાન હલકી ગુણવત્તા અને બિનઆરોગ્યપ્રદ અખાદ્ય પદાર્થ મળી આવ્યા હતા. કોર્પોરેશનના ફૂડ વિભાગની વિવિધ ટીમો દ્વારા અમદાવાદના અસારવા, શાહીબાગ, દરિયાપુર, શાહપુર, જમાલપુર, ખાડિયામાં રેડ કરવામાં આવી હતી. રેડ કામગીરી દરમિયાન 15 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક મળી આવ્યું હતું. સાથે જ નિયમોનું પાલન ન કરનાર 84 એકમોને નોટિસ આપવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા દરરોજ અલગ અલગ બે થી ત્રણ ટીમો બનાવી અને શહેરમાં આવેલી વિવિધ ખાણીપીણીની દુકાનો શાક માર્કેટ વગેરે જગ્યાએ તપાસ કરવામાં આવી રહી છે. મંગળવારે પૂર્વ વિસ્તારમાં જ આ રીતે ચેકિંગ હાથ ધરવામાં આવશે.