અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય અને કોઈ કૌભાંડ કે વિવાદના સમાચાર સામે ન આવે તો જ નવાઈ કહેવાય. શહેરના હાટકેશ્વર બ્રિજના નિર્માણમાં મોટો ભ્રષ્ટાચાર સામે આવ્યા બાદ વધુ એક બ્રિજ પ્રોજેક્ટમાં મોટું કૌભાંડ કહી શકાય તેવી પોલ સામે આવી છે. અમદાવાદમાં 58 કરોડના ખર્ચે બનાવવામાં આવેલો ઈન્કમટેક્સ બ્રિજ એકમાત્ર 5 લેનનો બનાવ્યો હોવાનું બહાર આવ્યું છે.
ઈન્ડિયન રોડ કોંગ્રેસના નિયમ મુજબ શહેરમાં બનતા કોઈપણ બ્રિજ 4 લેનથી વધુ હોઈ શકે નહીં.આ બ્રિજ બનાવતા પહેલાં સેન્ટ્રલ રોડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (CRRI) દિલ્હીએ કરેલા સરવેમાં પણ ઈન્કમટેક્સ સર્કલ ખાતે બ્રિજ બનાવવાની ભલામણ કરી હતી.જેમાં બિલ્ડરને લાભ અપાવવા માટે CRRI એટલે કે સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિયૂટની ભલામણોને નજર અંદાજ કરવામાં આવી હતી.
CRRIએ સૂચન કર્યુ હતું કે શહેરી વિસ્તારમાં 4 લેનથી વધારે પહોળો બ્રિજ બનાવી શકાય નહીં અને 16 મીટરની પહોળાઈ સાથે 4 લેનનો બ્રિજ બનાવવા સૂચન કર્યુ હતું. પરંતુ ઈન્કમ ટેક્સ ફ્લાયઓવર બ્રિજના કોન્ટ્રાક્ટર રણજીત બિલ્ડકોનને ફોર લેનના બદલે ફાઈવ લેનનો તૈયાર કરવાની મંજૂરી આપવામાં આવી હતી. શહેરમાં તમામ ફ્લાય ઓવર બ્રિજ 16.5 મીટર પહોળા છે. પરંતુ ઈન્કમ ટેક્સ ફ્લાય ઓવરબ્રિજ 20.5 મીટર પહોળો છે.
2019માં રૂ. 58 કરોડના ખર્ચે બનેલા ઈન્કમ ટેક્સ ફ્લાયઓવર બ્રિજના કારણે સર્વિસ રોડ સાંકડા થયા છે. સમગ્ર મામલે amc ના વિપક્ષી નેતાના તંત્ર અને ભાજપી સાશકો પર પ્રહાર કરી રહ્યા છે. વિપક્ષે જણાવ્યું છે કે, AMC નો બ્રિજ પ્રોજેક્ટ વિભાગ સૌથી ભ્રષ્ટ વિભાગ પૈકીનો એક છે. શહેઝાદ ખાન પઠાણે જણાવ્યું છે કે, હાટકેશ્વર બ્રિજ બાદ ઇન્કમટેક્સ બ્રિજ બનાવટમાં પણ બુદ્ધિનું દેવાળું ફૂંકવામાં આવ્યું છે.