બોટાદ : કેન્દ્રીય ગૃહમંત્રી આજે હનુમાન જયંતી પર સાળંગપુરમાં દર્શન કરવા માટે પહોંચ્યા છે. દેશભરમાં ધામધૂમથી હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. શાહની સાથે તેમનો પરિવાર પણ દાદાના દર્શન કરવા માટે પહોંચ્યો છે. સાળંગપુરમાં અમિત શાહના આગમનની અગાઉથી જ તૈયારીઓ કરી દેવામાં આવી છે. તેમણે સાળંગપુર પહોંચીને 54 ફૂટ ઊંચી કિંગ ઓફ સાળંગપુરના દર્શન કર્યા હતા. સાથે જ સહ પરિવાર દાદાની પૂજા પણ કરી હતી.
આજના આ ખાસ પ્રસંગે સાળંગપુરમાં બનેલા ગુજરાતના સૌથી મોટા હાઈટેક શ્રી કષ્ટભંજનદેવ ભોજનાલયનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે શાહની સાથે પ.પૂ.ધ.ધુ.1008 આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ પણ ઉપસ્થિત રહ્યા છે.ભોજનાલયની વિશેષતાની વાત કરીએ તો, આ ભોજનાલય 24 કલાક ચાલુ રહેશે. 4550 સ્કેવર ફૂટમાં રસોઇઘર બનાવવામાં આવી છે. જેમાં એક કલાકમાં 20 હજાર ભાવિકો જમી શકે તેટલું ભોજન બની શકશે. એટલું જ નહિં 7 જેટલા ડાયનિંગ હોલ પણ બનાવવામાં આવ્યા છે. જેમાં એક સાથે 4 હજાર ભક્તો ભોજન લઇ શકશે.આ ઉપરાંત ભક્તોની સુવિધા માટે ભોજનાલયમાં 5 લીફ્ટ પણ મુકી છે અને 79 રૂમ પણ છે.
આ અગાઉ 5 એપ્રિલના રોજ બોટાદના સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે કિંગ ઓફ સાળંગપુરની ભવ્ય પ્રતિમાનું અનાવરણ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું. તે સાથે જ હનુમાન દાદાનો જયઘોષ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન આકર્ષક રોશનથી સાળંગપુર ધામ ઝળહળ્યું હતું. રંગબેરંગી રોશની સાથે અદ્ભૂત નજારો સર્જાયો હતો.