અમદાવાદ : આજકાલ લગભગ દરેક લોકોએ વિદેશ જવાનું સપનું જોયું હશે પણ વિદેશમાં સ્થાયી થવું એટલું સરળ નથી જેટલું કહેવા અને સાંભળવામાં દેખાય છે. વિદેશમાં જવા માટે લોકોને કેટલી વાર વિઝા ઓફિસના ચક્કર લગાવે પડે છે. પણ ઘણી વખત વિઝા નથી મળતા અથવા વિઝા એપ્લિકેશન રિજેક્ટ થઈ જાય છે એવામાં લોકોનું વિદેશ જવાનું સપનું અધૂરું રહી જાય છે તેવા સમયમાં જો હનુમાનજીનું સ્મરણ કરે તો તરત જ વિકટ પરિસ્થિતિ માંથી ભક્તને હનુમાનજી મુક્ત કરી દે છે. અમદાવાદમાં ખાડિયા સ્થિત ચમત્કારિક હનુમાનજી ભક્તોની તમામ મનોકામના પૂરી કરે છે સાથે સાથે જો કોઈને વિદેશ જવાના વિઝા ન મળતા હોય તો ભક્ત માનતા રાખે તો તેને વિદેશ જવાના વિઝા પણ મળતા હોય છે તેવી ભક્તોની માન્યતા છે.
અમદાવાદના ખાડિયા વિસ્તારમાં દેસાઈની પોળમાં આવેલા હનુમાનજીના મંદિરને વિઝાનું હેડઓફિસ માનવામાં આવે છે. એવા માનવામાં આવે છે કે આ મંદિરમાં માથું નમાવીને આશીર્વાદ લેવાથી ભલભલા લોકોના વિઝા મળી જાય છે. લોકોની શ્રધ્ધા એટલા હદ સુધી છે કે આ મંદિરના હનુમાનજી ને લોકો વિઝા હનુમાન તરીકે બોલાવવા લાગ્યા છે. કહેવાય છે કે આ મંદીરમાં પાસપોર્ટ લઈને જવાથી અને ત્યાં હનુમાનજીના ચરણમાં પાસપોર્ટ રાખીને આશીર્વાદ લેવાથી હનુમાનજીના ભક્તની વિદેશ જવાની તમામ બાધાઓ દૂર કરે છે અને એ વ્યક્તિને વિઝા મળી રહે છે. આ હનુમાનજીનું મંદિર આશરે 300 વર્ષથી પણ વધારે પ્રાચીન હોવાનું મનાય છે.
આ મંદિરમાં સંકલ્પ લેવાવાળા લોકોને વિઝા મળી ગયા હોવાના અનેક દાખલા પણ નોંધાઈ ચૂક્યા છે. આ માટે હનુમાનજીના દર્શન કરવા જાઓ ત્યારે તમારે તમારો પાસપોર્ટ લઈ જવાનો રહે છે. પૂજારી તમારા પાસપોર્ટને લઈને હનુમાનજીને દેખાડે છે અને સંકલ્પ મુકાવીને તમને પાસપોર્ટ પાછો આપી દે છે. સંકલ્પ મુકાવ્યા પછી થોડા જ સમયમાં તેમને વિઝા મળી જતા હોય છે.હનુમાનજીના દર્શન માટે માત્ર અમદાવાદ જ નહિ પરંતુ દૂર દૂરથી લોકો અહીં આવતા હોય છે. જે લોકો હનુમાનજીનો સંકલ્પ લે છે. તેમને વિઝા ફટાફટ મળી જાય છે. તેવી અહીં આવતા ભક્તોજનોની શ્રદ્ધા અને માન્યતા છે.
આ ચમત્કારિક હનુમાનજીના મંદિરમાં દર્શનનો સમય સવારે 7:30 થી રાત્રિના 7:30 સુધીનો હોય છે. તથા સમયાંતરે અહીં ઉત્સવો પણ ઉજવવામાં આવે છે. આ સાથે હનુમાનજી દાદાને દરરોજ જુદા જુદા વાઘાનો શણગાર કરવામાં આવે છે. આ મંદિરમાં ખાસ કરીને શનિવારે અને મંગળવારે સવિશેષ ભીડ જોવા મળતી હોય છે.