અમદાવાદ: આજે શ્રી હનુમાન જયંતિનો પાવન પર્વ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ધામધૂમપૂર્વક ઉજવાઈ રહ્યો છે. ત્યારે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા કેમ્પ હનુમાન મંદિર ખાતે ભક્તોની મોટી ભીડ ઉમટી છે. ત્યારે કેમ્પ હનુમાનમાં આજે જય હનુમાન, જય શ્રીરામના નારાથી મંદિર ગુંજી ઉઠ્યું છે. 9 ગ્રહોની આકૃતિ સાથે 1100 કિલો બુંદીના લાડુનો પ્રસાદ દાદાને અર્પણ કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ હનુમાન જયંતિ નિમિતે વિશેષ મારુતિ યજ્ઞનું આયોજન કરાયું છે. ત્યારબાદ ધ્વજારોહણ બાદ બપોરે ભક્તો માટે ભંડારો પણ રાખવામાં આવ્યો છે. કેમ્પ હનુમાન મંદિરના ટ્રસ્ટી પાર્થિવ અધ્વર્યુએ જણાવ્યું હતું કે, મંદિર ભક્તો માટે રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. તમામ ભક્તોને બુંદીનો પ્રસાદ આપવામાં આવશે, હનુમાન જયંતિ હોય એટલે 60 થી 70 હજાર દાદાના ભક્તો દર્શન માટે આવતા હોય છે.
પરંતુ દાદાના ભક્તો માટે આજે એક ખુશખબર મળી રહ્યા છે. હવેથી કેમ્પ હનુમાન મંદિર ભક્તો માટે સવારે 6 થી રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. મંગળવાર અને શનિવારે કેમ્પ હનુમાનના દર્શન ભક્તો રાત્રે 11 વાગ્યા સુધી કરી શકશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ કેમ્પ હનુમાન મંદિર રાત્રે 8 વાગ્યા સુધી જ ભક્તો માટે ખુલ્લું રહેતું હતું. જેનો સમય વધારવામાં આવ્યો છે.
કેમ્પ હનુમાનમાં દર્શનનો સમય અત્યાર સુધી સવારે 8 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી હતો. જેમાં હવે ફેરફાર કરવામાં આવ્યો છે. હવે મંગળવાર અને શનિવારે સવારે 6 થી રાતના 11 વાગ્યા સુધી દર્શન થશે. આ સિવાયના દિવસે સવારે 6થી રાતના 9 વાગ્યા સુધી દર્શન થશે. બપોરના સમયે પણ મંદિર ચાલુ રહેશે.