અમદાવાદ : પહેલા હાટકેશ્વર બ્રિજ પછી આશ્રમરોડ પરનો બ્રિજ અને હવે ચાંદલોડિયાનો બ્રિજ વિવાદમાં આવ્યો છે. અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં આવેલા પંડિત દિન દયાળ ઉપાધ્યાય ઓવર બ્રિજ નીચે ટેકા મુકવામાં આવ્યા છે જેને લઈને સ્થાનિકોએ ચિંતા વ્યક્ત કરી છે. આ બ્રિજ પર અનેક જગ્યાએ તિરાડો દેખાઈ રહી છે જેના કારણે બ્રિજ પર અકસ્માત સર્જાય તેવી દહેશત રહે છે.બીજી તરફ આ બ્રિજનો ઉપયોગ કરનારા સ્થાનિકોને જીવનું જોખમ હોવાની ચિંતા થઈ રહી છે. મહત્વનું છે કે આ પહેલા ખોખરા બ્રિજની ખખડેલી હાલતના કારણે ઘણાં સવાલો ઉઠ્યા હતા.
ચાંદલોડિયા બ્રિજનું સમારકામ કરવામાં આવ્યું પછી પણ તેની નીચે જે ટેકા મૂકવામાં આવ્યા છે તે જોઈને લોકોના જીવ અધ્ધર થઈ રહ્યા છે. બ્રિજનું 2016માં સમારકામ કરવામાં આવ્યું હતું છતાં આવી સ્થિતિ સર્જાઈ છે.રિપેરિંગ પછી પણ આવી સ્થિતિ જોઈને લોકોને અનેક સવાલો થઈ રહ્યા છે. આ અંગે સ્થાનિકોએ ચિંતા વ્યક્ત કરી છે કે, અમે બ્રિજની પાસે નજીકમાં અમે કાયમ બેસીએ છીએ ત્યારે આ સ્થિતિ જોઈને બહુ ડર લાગે છે, બ્રિજ આખો ધ્રૂજે છે. વાહન નીકળે તો ધરતીકંપ આવ્યો હોય એવું લાગે છે.
એક સ્થાનિકે જણાવ્યું કે અહીં 7 વર્ષથી ટેકા લગાવેલા છે, બ્રિજની ઉપર અને નીચે બન્ને તરફ ટ્રાફિક થાય છે. બ્રિજની સ્થિતિ જોઈને લોકોને ડર લાગી રહ્યો છે. બ્રિજ પર ઘણી જગ્યાએ પર તિરાડો પડેલી જોવા મળી રહી છે. ઔડાના સમયમાં બનેલા બ્રિજમાં રેલવેના પોર્શન પાસે ટેકા મૂકવામાં આવ્યા છે. હવે આ બ્રિજનું સમારકામ ક્યારે કરવામાં આવશે તેને લઈને લોકોને સવાલો થઈ રહ્યા છે.
કોર્પોરેશનની ટીમ આવીને આ બ્રિજનું ચેકિંગ કરે તેવી સ્થાનિકોની માગ છે. વર્ષ 2000માં આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો ત્યારબાદ 2016માં રેલવે લાઈન પસાર થાય તે સાઈડના કેટલાક ભાગમાં નુકસાન થતાં રેલવે વિભાગને પત્ર લખવામાં આવ્યો હતો. બ્રિજનું રિપેરિંગ કરવાની રેલવે વિભાગને જાણ કરાઈ હતી જો કે હજુ સુધી કોઈપણ પ્રકારનું કામ કરવામાં આવ્યું નથી.
શું બ્રિજનું કોઈ સમારકામ કરવામાં આવશે કે પછી આ રીતે જ ટેકા પર ઉભો રાખવામાં આવશે તેવી ચિંતા પણ સ્થાનિકોને તથા તેનો ઉપયોગ કરનારા લોકોને થઈ રહી છે.