અમદાવાદ : અમદાવાદનાં નારણપુરામાં પ્રગતિનગર ચાર રસ્તા પર 104 કરોડ રુપિયાના ખર્ચે બનતા પલ્લવ બ્રિજની કામગીરી બંધ કરી દેવામાં આવી છે. વિવાદાસ્પદ કોન્ટ્રાક્ટર અજય એન્જિનિયરિંગ સ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા જ બ્રિજ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી હતી, જેને છેલ્લા 20 દિવસથી બંધ કરી દેવાઈ છે. બ્રિજની કામગીરી કયા કારણોસર બંધ કરવામાં આવી છે? તેનો કોઈ ખુલાસો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ કે ભાજપના સત્તાધીશો દ્વારા કરવામાં આવ્યો નથી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ વિવાદાસ્પદ કોન્ટ્રાક્ટર અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ પાસેથી હવે આ પલ્લવ બ્રિજનો કોન્ટ્રાક્ટ પરત લઈ લેવામાં આવે તેવી શક્યતાઓ જણાઈ રહી છે. પલ્લવબ્રિજની 30 ટકા જેટલી કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. બ્રિજ બનતો હોવાથી બંને તરફ BRTS રૂટ બંધ કરવાની ફરજ પડી છે અને છેલ્લા દોઢ વર્ષથી આ બ્રિજની કામગીરી ચાલી રહી હતી અને હવે ફરી એકવાર બ્રિજની કામગીરી બંધ કરી દેવામાં આવતા ફરી ક્યારે શરૂ થશે? તેની હજી સુધી કોઈ માહિતી નથી.
પલ્લવ- પ્રગતિનગર બ્રિજની કામગીરી મામલે કોન્ટ્રાક્ટર અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કામગીરી બંધ કરી દેવામાં આવી હોવાનું સામે આવતા કોન્ટ્રાક્ટર કંપનીને બે નોટિસ આપવામાં આવી છે. કોન્ટ્રાક્ટર દ્વારા આ રીતે બ્રિજની કામગીરી બંધ કરી દેવામાં આવતા તેનો ખુલાસો માંગવામાં આવ્યો છે તો બીજી તરફ હાલમાં જો બ્રિજની કામગીરી બંધ છે તો તેના પાઈલ્સ વગેરે ચેક કરવા જોઈએ અને આ બ્રિજમાં કેવી રીતે કામગીરી થઈ છે? તેની તપાસ કરવી જરૂરી છે.
પલ્લવ- પ્રગતિનગર બ્રિજની કામગીરી બંધ કરાતા વાહનચાલકો અને સ્થાનિકો અકળાયા છે, એક તરફ બ્રિજના કામને કારણે સમગ્ર વિસ્તારમાં ધૂળ અને ડમરીઓ ઉડી રહી છે અને ખાસ કરીને ઓફિસ અવર્સમાં વાહનચાલકોને લાંબા લાંબા ટ્રાફિક જામમાં ફસાઈ જવાનો વારો આવે છે.