અમદાવાદ : અમદાવાદ હવે સ્માર્ટ સિટી બની ગયું છે. શહેરમાં ટ્રાફિકનું ભારણ પણ વધી રહ્યું છે. ત્યારે શહેરીજનોને ટ્રાફિકની હેરાનગતીમાંથી મુક્તિ આપવા માટે નવા ફ્લાયઓવર બનાવવા માટે સરકારે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કમરકસી છે. આખરે પાંચ વર્ષ બાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં સત્તાધાર ચાર રસ્તા જંક્શન પર ફોરલેન ઓવરબ્રિજ બનાવવા માટેની દરખાસ્ત મૂકવામાં આવી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ CM ભૂપેન્દ્ર પટેલના મત વિસ્તાર ઘાટલોડિયાના સત્તાધાર ચાર રસ્તા પર ફોર લેન ઓવરબ્રિજ બનશે. ઘાટલોડિયામાં સાંઈબાબા મંદિરથી લઈને સન એન્ડ સ્ટેપ ક્લબ સુધી 81 કરોડ 50 લાખના ખર્ચે ફોર લેન ઓવરબ્રિજ તૈયાર થશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીએ કામને મંજૂરી આપી દીધી છે. આ અંદાજે 975 મીટરની લંબાઈવાળો ફોર લેન ઓવર બ્રિજ તૈયાર થશે. સત્તાધાર વિસ્તારમાં ઓવરબ્રિજ બનતા હજારો લોકોએ ટ્રાફિકમાં લાંબો સમય ભોગવવી પડતી હાલાકીનો અંત આવશે.
આ બ્રિજ બનાવવાથી નારણપુરાથી સરખેજ-ગાંધીનગર હાઇ વે તરફ જવુ સરળ બનશે. આ ઉપરાત સાયન્સ સિટી તરફ બીઆરટીએસ રૂટ તેમજ સાલ હોસ્પિટલથી ઘાટલોડિયા તરફ જતા આવતા રસ્તા પર હેવી ટ્રાફિકના ભારણને કારણે ટ્રાફિક જામની સમસ્યાથી મુક્તી મળશે.બ્રિજના અભાવે વાહનચાલકોને ઘણી મુશ્કેલી પડતી હતી અને સમય તથા નાણાંનો વ્યય થતો હતો. બ્રિજ તૈયાર થશે ત્યારે સ્થાનિકોની આ સમસ્યાનો અંત આવશે.
સદર ફોર લેન ઓવરબ્રિજની લંબાઇ આશરે 975 મી. થાય છે તથા 16.50 મી પહોળાઇમાં 4-લેન (2×2) ફલાયઓવર બ્રીજનું આયોજન કરેલ છે. જેમાં સત્તાધાર જંકશનનાં ઓબ્લીગેટરી સ્પાનની લંબાઇ 35 મી. અને ક્લીયર હાઇટ 5.50 મી.,સાંઇબાબા મંદીર જંકશનના ઓબ્લીગેટરી સ્પાનની લંબાઇ 25 મી. અને ક્લીયર હાઇટ 4.00 મી. તેમજ સન એન્ડ સ્ટેપ જંકશનના ઓબ્લીગેટરી સ્પાનની લંબાઇ 20મી. અને ક્લીયર હાઇટ 3.50 મી રાખવામાં આવેલ છે.