અમદાવાદ : અમદાવાદ શહેરમાં જાહેર રોડ પર ગંદકી કરનારા અને પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરનારા દુકાનદારો વિરુદ્ધ AMCના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજે દક્ષિણ ઝોનની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમ દ્વારા લાંભા વોર્ડમાં ચેકિંગ કરતાં ઇસનપુરની જય શ્રી લિંબચ ટી સ્ટોલમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકના ચાના કપ આશરે 1000 નંગ જેટલા મળી આવ્યા હતાં, જેથી દુકાનને સીલ કરી દેવામાં આવી છે. ઉપરાંત અન્ય વોર્ડમાં પણ ગંદકી કરતા તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ કરતા લોકો વિરુદ્ધ સીલ કરવાની કાર્યવાહી પણ ચાલુ છે.
પૂર્વ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા અલગ અલગ વોર્ડમાં જાહેરમાં ગંદકી કરી ન્યુસન્સ કરતા અને પ્રતિબંધિત પ્લાસ્ટીકનો વપરાશ કરતા એકમો સામે સખત કાર્યવાહી કરવામાં આવી હતી. વિરાટનગર વોર્ડમાં જાહેર રોડ પર કચરો નાખવા બદલ 6 જેટલી દુકાનોને સીલ કરવામાં આવી હતી. ઓઢવ વોર્ડમાં નેશનલ હેન્ડલુમની પાછળ આવેલા AMCના ખૂલ્લા પ્લોટમાં ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ નાખવા બદલ ટ્રેક્ટરને જપ્ત લેવામાં આવ્યું છે. જાહેર માર્ગો તથા ખૂલ્લા પ્લોટોમાં ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ તથા કરૂંકશન વેસ્ટ નાખવાની આવતી ફરિયાદોને ધ્યાને લઇ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
કુલ 1,762 એકમો ચેક કરી કુલ રૂપિયા 2.11 લાખ વહીવટી ચાર્જ વસુલ કર્યો છે. ગંદકી કરી ન્યુસન્સ કરતા કુલ 920 એકમો ચેક કરી રૂપિયા 1.48 લાખ વહીવટી ચાર્જ વસુલ કર્યો છે. તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ કરતા કુલ 842 એકમો ચેક કરી રૂપિયા 84200 વહીવટી ચાર્જ વસુલ કરી કુલ 24.6 કિલોગ્રામ પ્લાસ્ટીક જપ્ત કર્યો છે.