ગાંધીનગર : રાજ્યભરના 70 ટકા મેડિકલ સ્ટોર્સ ફાર્માસિસ્ટના ભાડાના લાયસન્સ ઉપર ચાલતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે. આથી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા આવા મેડિકલ સ્ટોર્સને તાકીદે બંધ કરીને ભાડે લાયસન્સ આપનાર ફાર્માસિસ્ટોના લાયસન્સને રદ કરવાની માગણી સાથે ફાર્માસિસ્ટ એસોસિએશને ખોરાક અને ઔષધ નિયમન તંત્રને રજૂઆત કરી હોવાના અહેવાલ મળી રહ્યા છે.
ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશનના સૂત્રોના જણાવ્યા મુજબ ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટ-1940 મુજબ ફાર્માસિસ્ટના ભાડાના લાઇસન્સ ઉપર મેડિકલ સ્ટોર્સ ચલાવી શકાય નહી. તેમ છતાં મેડિકલ સ્ટોર્સના સંચાલકો અને ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની સાંઠગાંઠને પગલે રાજ્યભરમાં 70 ટકા કરતા વધારે મેડિકલ સ્ટોર્સ ફાર્માસિસ્ટના ભાડાના લાયસન્સ ઉપર ચાલી રહ્યા છે. ફાર્માસિસ્ટના ભાડાના લાયસન્સ ઉપર ચાલતા મેડિકલ સ્ટોર્સથી લોકોના આરોગ્ય સાથે ચેડા થઇ રહ્યા છે.
આ ઉપરાંત લેભાગુ લોકો માત્ર રૂપિયા કમાવવાનો ઉદ્દેશ હોવાથી નશામાં ઉપયોગમાં લેવાતી કોડીન કફ શિરપ, અલ્પ્રાઝોલમ, નાઇટ્રોઝોલમ તેમજ ગર્ભપાતની દવાઓનું બેફામ વેચાણ કરીને યુવાધનને બરબાદ કરી રહ્યાનો પણ આક્ષેપ કરાયો છે. આથી આવી સ્થિતિને નાથવા માટે એનસીપીસીઆર દ્વારા દરેક મેડિકલ સ્ટોર્સમાં સીસીટીવી કેમેરા ફરજિયાત કર્યા છે. જેની ફરજિયાત અમલવારી કરાવવાની જવાબદારી કલેક્ટરે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સોંપાઈ હોવા છતાં તેની અમલવારી કરાતી નથી.
ફાર્માસિસ્ટના ભાડાના લાયસન્સ ઉપર ચાલતા મેડિકલ સ્ટોર્સને તાકીદે બંધ કરાવીને ભાડે આપેલા લાયસન્સને કાયમી રદ કરવાની માગ સાથે ગુ. ફાર્માસિસ્ટ એસોસિએશન દ્વારા ખોરાક અને ઔષધ નિયંત્રણ વિભાગના કમિશનરને લેખિત રજૂઆત કરાઈ છે.