અમદાવાદ : અમદાવાદના હાટકેશ્વર બ્રિજને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. 5 વર્ષ પહેલા બનેલા હાટકેશ્વર બ્રિજને તોડી પાડવામાં આવશે.3 સભ્યોની કમિટીનો વચ ગાળાનો રિપોર્ટ મ્યુનિસિપલ કમિશ્નરને સોંપાયો છે. જેમાં બ્રિજ ઉતારી લેવાની સલાહ કમિટીનો રિપોર્ટમાં સલાહ અપાઈ હતી. જેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર કમિશનર થેન્નારસન દ્વારા આ મામલે સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. સમગ્ર મામલે કોન્ટ્રાક્ટર અને PMC કંપની સામે પોલીસ ફરિયાદ નોંધાવાશે. AMCના ચાર એન્જિનિયરને સસ્પેન્ડ કરવામા આવ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ મ્યુનિસિપલ કમિશનર થેન્નારસન હાલ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, હાટકેશ્વર બ્રિજની એક્સપર્ટ કમિટી બનાવાઈ હતી. તેમનો રિપોર્ટ આવ્યો છે, તે મુજબ મૂળ કારણ ક્વોલિટી નબળી હતી. અમે તમામ ટેસ્ટ કરાવ્યા હતા. ચાર પ્રકારના કામ થશે. કોન્ટ્રાક્ટર અને PMC કંપની બંને સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવશે. પોલીસ ફરિયાદની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ચાર એન્જિનિયરને સસ્પેન્ડ કરવામા આવ્યા છે. બ્રિજનો મુખ્ય બે 42 મીટરના સ્પાન તોડવાની ભલામણ છે. જેથી સુપર સ્ટ્રકચર તોડવામાં આવશે. નીચેના પિલ્લરોની પણ ક્વોલિટી શંકાસ્પદ છે.
હાટકેશ્વર બ્રિજ હાલ રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે કારણ કે માત્ર 5 વર્ષમાં કટકી બાજ કોન્ટ્રાક્ટરે બ્રિજની હાલત ખખડધજ કરી નાખી અને પ્રજાના ટેક્ષના પૈસા પાણીમાં ડૂબાડ્યા છે. બ્રિજને લઇ સ્થાનિકો છેલ્લા 6 મહિનાથી પરેશાન છે. ધંધા રોજગાર બંધ છે તો ક્યાંક ટ્રાફિકની સમસ્યા અહીંના સ્થાનિકોને સતાવી રહી છે. ત્યારે અમદાવાદ શહેરમાં આવેલા હાટકેશ્વર બ્રિજને તોડી પાડવાનો નિર્ણય લેવાયો છે. આ બ્રિજની તપાસ કરવામાં કમિટી બનાવવામાં આવી હતી. હાટકેશ્વર બ્રિજની ગુણવત્તામાં શંકા જતા કમિશનરે ત્રણ સભ્યોની કમિટી બનાવીને તપાસ કરવાના આદેશ આપ્યા હતા.