અમદાવાદ : ભૂમાફિયાઓ પર અંકુશ મુકવા અને ખેડૂતો પાસેથી કોઈ જમીન ન છીનવી શકે તે માટે રાજ્ય સરકાર વિધાનસભામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ લાવી હતી. આ એક્ટ અંતર્ગત કલેક્ટરને ફરિયાદ મળતા તેની પર કેસની સુનાવણી અને જરૂર પડે એફઆઇઆર કરવામાં આવે છે. પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ કલેક્ટર કચેરીમાં છેલ્લી માહિતી પ્રમાણે 1830 લેન્ડ ગ્રેબિંગની અરજી આવેલી છે.
લેન્ડ ગ્રેબિંગની આવેલી 1830 અરજીઓમાંથી 76 અરજીમાં એફઆરઆઇ નોંધવામાં આવી છે. ઉપરાંત કાયદાની આડ લઇને કોઈ લેભાગૂ તત્વો કોઇની જમીનમાં ખોટી ફરિયાદ કે અરજી ના કરે તે માટે થઈ ચકાસણી માટે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં એક કમિટીની રચના પણ કરવામાં આવી છે. આ કમિટીની બેઠક મહિનામાં એક વખત યોજવામાં આવે છે.
અમદાવાદ જિલ્લા કલેક્ટર દ્વારા અત્યાર સુધીમાં અંદાજીત 40 થી 50 લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક યોજવામાં આવી છે. લેન્ડ ગ્રેબિંગનો કાયદો અમલમાં લાવ્યા બાદ અમદાવાદમાં સૌથી વધુ 76 થી વધુ લેન્ડ ગ્રેબિંગના ગુના નોંધાઈ ચુક્યા છે. 1570 અરજીનો નીકાલ થઇ ગયો છે. 218 અરજી પર આખરી નિણર્ય લેવાનો બાકી છે. 1570 પૈકી 1498 અરજી દફ્તરે કરવામાં આવી છે.