અમદાવાદ : ગુજરાતી ભાષાને જીવંત રાખવા માટે ગુજરાત સરકારની સાથે સાથે વાંચે ગુજરાત, માતૃભાષા વંદના અને કેળવણીકારો લાખો પ્રયાસ કરી રહ્યાં છે, અનેક કાર્યક્રમો યોજી રહ્યાં છે પરંતુ અંગ્રેજી ભાષા તરફ ગાડરિયો પ્રવાહ જોવા મળ્યો છે. શિક્ષણ પર અંગ્રેજીરાજ હાવી છે.સરકારી આંકડાનુસાર છેલ્લા 5 વર્ષમાં રાજ્યમાં 207થી વધું ગ્રાન્ટેડ શાળાઓ તો 120થી વધુ ઉચ્ચતર-માધ્યમિક શાળાઓ બંધ થઈ ગઈ છે, તો 700 થી વધુ પ્રાથમિક શાળાઓને તાળા લાગી ગયા છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી (AHMEDABAD DEO) રોહિત ચૌધરીના જણાવ્યા અનુસાર, અમદાવાદ શહેરની 12 જેટલી સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓને બંધ કરવા બાબતે દરખાસ્ત આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી ઓછી થઈ ગઈ છે. આર્થિક રીતે તેમને શાળા ચલાવવી પરવડે તેમ નથી.આ શાળાઓમાં અભ્યાસ કરતા RTE અને સામાન્ય વિદ્યાર્થીઓને આસપાસની શાળામાં એડમિશન અપાશે. આ માટે તેમના વાલીઓની સંમતિ પણ લેવાઈ છે. અંગ્રેજી માધ્યમની શાળાનો ક્રેઝ વધતો હોવાથી ગુજરાતી માધ્યમની શાળાઓમાં એડમિશન ઘટી રહ્યાં છે.
હાલના સમયમાં અંગ્રેજી ભાષાથી જ માન મળતું હોય તેવી માન્યતા વાલીઓમાં જોવા મળી છે. જેને કારણે શહેરમાં ગુજરાતી શાળાઓને તાળા લાગી રહ્યાં છે અને અંગ્રેજી શાળાઓ શરૂ કરવા માટે લાંબી લાઇનો જોવા મળી રહી છે. આ સ્થિતિથી ગુજરાતમાં હવે ગુજરાતી ભાષા પતન તરફ આગળી વધી રહી હોવાનું જણાય છે.