અમદાવાદ: મંગળવાર મોડી રાતે અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાંથી એક ગમખ્વાર ઘટના સામે આવી છે. જેમાં મકાનની છતનો મોટો હિસ્સો એટલે કે છતના પોપડા પડતા પિતા અને પુત્રના મોત નીપજ્યા છે. જયારે માતા અને બીજા પુત્રની હોસ્પિટલ ખસેડ્યા છે. જેમાં છતના પોપડા સાથે પંખો પણ પડ્યો હતો. બનાવને પગલે વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, મંગળવારે મોડી રાતે શિવશંકરનગરના એક ઘરમાં માતા, પિતા અને બે પુત્રો સૂતા હતા. આ દરમિયાન છતનો મોટો હિસ્સો એટલે કે છતનો પોપડો નીચે પડ્યો તેની સાથે પંખો પણ નીચે પડ્યો હતો. જેના કારણે પિતા અને પુત્રનું મોત નીપજ્યુ છે. જયારે માતા અને બીજા પુત્રની હોસ્પિટલ ખસેડ્યા છે કે જેઓની સારવાર ચાલુ છે.
સમગ્ર મામલે મકાનમાલિક પાસેથી મળતી માહિતી મુજબ આ મકાનનું રિનોવેશન કરાવવાનું હતુ. જેના માટે મકાન માલિકે આ પરિવારને ઘર ખાલી કરવા પણ જણાવ્યુ હતુ. પરંતુ પરિવારે આ લોકો પાસે બે મહિનાનો સમય માંગ્યો હતો. તે માંગેલા સમય દરમિયાન જ આ દુર્ઘટના ઘટી હતી અને પરિવારના બે લોકોને જીવ ગુમાવવાનો વારો આવી ગયો છે.
આ ઘટના બાદ આસપાસનાં લોકો પણ આ અવાજ સાંભળતા ત્યાં આવી પહોંચ્યા હતા. આ ઘટના બાદ અફરાકતફરીનો માહોલ છવાઇ ગયો હતો. સ્થાનિક પોલીસે પણ આ અંગે તપાસ શરૂ કરી છે. હાલ પોલીસે આ ઘરની બહાર તાળું મારી દીધું છે. જેથી કોઇ અંદર જઇ નહીં શકે.