દહેરાદુન : શનિવારથી શરૂ થઈ રહેલી ચારધામ યાત્રા માટે ઉત્તરાખંડ સરકારે શ્રધ્ધાળુઓ માટે એડવાઈઝરી માર્ગદર્શિકા જાહેર કરી હોવાના અહેવાલ મળી રહ્યાં છે. જેમાં કહેવામાં આવ્યું છે કે બધા તીર્થ હિમાલયના ઉંચાઈવાળા વિસ્તારમાં આવેલા છે. આથી શ્રધ્ધાળુઓ ઠંડી, ઓછી હવાનું દબાણ અને ઓછા ઓકિસજનથી અસર પામી શકે છે. આ સ્થિતિમાં સલાહ આપવામાં આવી છે કે શ્રધ્ધાળુઓ પોતાની યાત્રાની યોજના કમ સે કમ સાત દિવસો માટે બનાવે. આથી પહાડના વાતાવરણમાં ખુદને ઢાળવામાં મદદ મળશે.
રોજ 5-10 મીનીટ શ્વાસનો વ્યાયામ કરો, અને 20-30 મિનિટ ટહેલવા નીકળો. જો આપની વય 55 વર્ષ કે તેથી વધુ છે કે હૃદયની બિમારી, અસ્થમા, ડાયાબીટીસ અને હાઈબ્લડપ્રેસર છે તો યાત્રા પહેલા તબિયતની તપાસ જરૂર કરાવો.
આટલી વસ્તુઓ સાથે રાખવી…
ગરમ કપડા, સ્વેટર, મફલર, જેકેટ, હાથમોજા, વરસાદથી બચવા રેઈનકોટ, છત્રી, તબીયતની તપાસ માટે પલ્સ ઓકસીનીટર, થર્મોમીટર, આપના ડોકટરના નંબર સાથે રાખો.
યાત્રા દરમ્યાન ધ્યાન રાખો…
યાત્રા પહેલા હવામાનનો રિપોર્ટ જરૂર ચેક કરો.યાત્રામાં 2 લીટર લિકવીડ અને પૌષ્ટીક આહાર જરૂર લો.પગપાળા ચાલી રહેલા લોકોએ દર એક કલાકમાં અને વાહનથી ચડતા લોકોએ દર બે કલાકે 5-10 મિનીટનો બ્રેક લેવો જોઈએ. શરાબ, કેફિનયુકત ડ્રીંક,ઊંઘની ગોળી, ધુમ્રપાનથી દુર રહેવુ તબિયત સાથે જોડાયેલી કોઈપણ પરેશાની પર 104 હેલ્પ લાઈન નંબર પર સંપર્ક કરવો.
હેલીકોપ્ટર સેવાની બુકીંગ માટે વેબસાઈટ જાહેર…
ચારધામમાં હેલિકોપ્ટર સેવાની બુકીંગ માટે IRCTC તરફથી પોતાની વેબસાઈડ WWW. heliyatra. irctc.co.in જાહેર કરાઈ છે. હેલી સેવા ટિકીટ બુકીંગના નામે પ્રયોગ થઈ રહેલી આઠ બોગસ વેબસાઈટને એસટીએફએ બંધ કરાવી છે. પોલીસે અપીલ કરી છે કે વેબસાઈટની ચકાસણી કર્યા વિના હેલી સેવા ટિકીટ બુક ન કરાવવી.