નવી દિલ્હી : કેન્દ્ર સરકારે ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કર્યો છે. કેન્દ્ર સરકારે ગેસ સિલિન્ડરના ભાવમાં છેલ્લે 9 માર્ચ 2024ના રોજ ફેરફાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સરકારે ગેસ સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. ખાસ વાત એ છે કે માર્ચ 2023 પછી ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ પછી ઉજ્જવલા યોજના હેઠળ ઉપલબ્ધ LPG સિલિન્ડરની કિંમત 503 રૂપિયાથી વધીને 553 રૂપિયા અને ઉજ્જવલા યોજના સિવાયના LPG સિલિન્ડરની કિંમત 803 રૂપિયાથી વધીને 853 રૂપિયા થઈ જશે.
મીડિયાને સંબોધતા પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે આંતરરાષ્ટ્રીય ભાવ વધી રહ્યા છે અને અહીં ભાવ ઘટી રહ્યા છે. અમે નિર્ણય લીધો છે કે LPGના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવશે. તેમણે કહ્યું કે અમે આગામી દિવસોમાં તેની સમીક્ષા કરીશું. કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે આપણે રસોઈ ગેસના મામલે ઘણી પ્રગતિ કરી છે અને હવે આપણી પાસે ઉજ્જવલા યોજના પણ છે, જેના 10 કરોડથી વધુ લાભાર્થીઓ છે. તેમણે કહ્યું કે આજે આપણા ભાઈ-બહેનોને લાકડા, ગાયના છાણ અને અન્ય વસ્તુઓથી આઝાદી મળી છે. તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) હેઠળ, ગરીબ મહિલાઓને મફત LPG સિલિન્ડર આપવામાં આવે છે જેથી તેઓ સ્વચ્છ રસોઈ બળતણ એટલે કે LPG મેળવી શકે.
એક વર્ષ પછી ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર થયો છે. ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં છેલ્લો ફેરફાર 9 માર્ચ 2024 ના રોજ જોવા મળ્યો હતો. ત્યારબાદ સરકારે ગેસ સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. તે પહેલાં, 30 ઓગસ્ટ, 2023 ના રોજ, ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઘરેલુ ગેસ સિલિન્ડરનો ભાવ 1103 રૂપિયાથી ઘટીને 903 રૂપિયા પ્રતિ ગેસ સિલિન્ડર થયો હતો. હવે પાછો રાંધણ ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.