અમદાવાદ : આજે અક્ષય તૃતીયાનો શુભ પર્વ છે. ધાર્મિક દૃષ્ટિએ અક્ષય તૃતીયાની તિથિ ખૂબ જ શુભ અને લાભદાયક માનવામાં આવે છે. વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ત્રીજને અક્ષય તૃતીયા તરીકે ઉજવવામાં આવે છે. તેને અખાત્રીજ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારે ભાજપ દ્વારા અખાત્રીજના દિવસે રાજયના 24 મોટા મંદિરોમાં મહા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ધર્મસ્થાનોમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે.
આજે શરૂ કરાયેલ ભાજપનું મહાસફાઈ અભિયાનમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલથી લઈને પ્રદેશ ભાજપ પ્રમુખે સફાઈ અભિયાન હાથ ધર્યું છે. સીઆર પાટીલ, મુખ્યમંત્રી અને ગુજરાત સરકારના મંત્રીઓ ગુજરાતના વિવિધ ધર્મસ્થાનો પર અભિયાનમાં જોડાયા છે. વિવિધ ધર્મસ્થાનો પર પ્રદેશ ભાજપના નેતાઓ ઉપસ્થિત રહેશે. 15 થી વધુ ધર્મસ્થાનો પર વિવિધ મંત્રી હાજર રહી સફાઈ કરાવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ બાલાજી હનુમાનજી મંદિરથી સફાઈ અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. સીએમ સાથે સ્થાનિક સાંસદ, ધારાસભ્ય, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.તેઓએ બાલાજી મંદિરથી સવારે 9 વાગ્યે અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. તો ધર્મસ્થાનોના સફાઈ અભિયાનમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ પણ જોડાયા હતા. સુરતમાં પ્રસિદ્ધ અંબાજી મંદિર પરિસરમાં પાટીલે સફાઈ કરી હતી. જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સાથે અન્ય નેતાઓ પણ જોડાયા હતા.
ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ અમદાવાદની નગરદેવી ભદ્રકાળી માતાના મંદિરે, અમદાવાદના મેયર અને કોર્પોરેટર, અમદાવાદ શહેર ભાજપના હોદ્દેદારો સાથે સફાઈ અભિયાન હાથ ધર્યું હતું.જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા.