ગાંધીનગર : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ધોરણ 10માં ભણતા વિદ્યાર્થી બોર્ડની પરીક્ષામાં નાપાસ થાય તો બીજા વર્ષે વિદ્યાર્થીને નિયમિત વિદ્યાર્થી તરીકે જ સ્કૂલમાં જ પ્રવેશ આપવામાં આવશે. અગાઉ આ નિયમ હતો, પરંતુ 3 વર્ષ અગાઉ નિયમ રદ કરવામાં આવ્યો હતો. આ નિયમ શૈક્ષણિક વર્ષ 2023-24થી લાગુ કરવામાં આવશે. નિયમિત વિદ્યાર્થી તરીકે પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓએ જૂની માર્કશીટ સ્કૂલમાં જમા કરાવવાની રહેશે.
દર વર્ષે અંદાજે લાખો વિદ્યાર્થીઓ ધોરણ-10 બોર્ડની પરીક્ષામાં નાપાસ થાય છે. ત્યારે દર વર્ષે નાપાસ થતા 4 લાખ જેટલા વિદ્યાર્થીઓને મળશે રેગ્યુલર અભ્યાસ સાથે પરીક્ષા આપવાની તક મળશે. અગાઉ ધોરણ-10 માં નાપાસ થતા વિદ્યાર્થીને રેગ્યુલર વિદ્યાર્થી તરીકે પ્રવેશ અપાતો ન હતો. હાલના નિયમો મુજબ એકવાર વિદ્યાર્થી નાપાસ થાય ત્યારબાદ રિપીટર તરીકે પરીક્ષા આપવાની ફરજ પડતી હતી. ત્યારે હવે 3 વર્ષ પહેલા રદ થયેલો નિયમ ફરીવાર લાગુ કરાશે.
અત્યારના નિયમ પ્રમાણે ધોરણ-10માં નાપાસ થતાં વિદ્યાર્થીઓને રેગ્યુલર વિદ્યાર્થી તરીકે પ્રવેશ આપવામાં આવતો નથી. જો કોઈ વિદ્યાર્થી પરીક્ષામાં નાપાસ થાય તો તેને રિપીટર તરીકે જ પરીક્ષા આપવી પડે છે.આ અગાઉ શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર સમક્ષ શાળા સંચાલક મંડળે રજૂઆત કરી હતી. ત્યારે હાલ એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેમની રજૂઆતને સ્વીકારી લેવામાં આવી છે.