અમદાવાદ : સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર સામે આવ્યા છે. ચાલુ વર્ષે રાજ્ય સરકાર 7 હજાર જગ્યાએ પર ભરતી કરવા જઈ રહી છે.ગુજરાત હાઇકોર્ટમાં પોલીસ વિભાગમાં ભરતી, ખાલી જગ્યાઓ અને પોલીસને લગતી અન્ય બાબતોને લઈને થયેલી સુઓમોટો અરજી સંદર્ભે ગુજરાત સરકાર દ્વારા વિગતવાર સોગંદનામુ દાખલ કરવામાં આવ્યું છે. જેમાં સરકારે માહિતી આપી છે કે ચાલુ વર્ષે ગુજરાત સરકાર પોલીસ વિભાગમાં સાત હજાર ભરતી કરશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ રાજ્ય સરકાર ચાલુ વર્ષે પોલીસ વિભાગમાં ખાલી 22 હજાર જગ્યાઓ પૈકી 7 હજાર જગ્યાઓ પર ભરતી કરશે. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર ગુજરાત હાઇકોર્ટે પોલીસને લગતી બાબતોને લઈને સ્વત: સંજ્ઞાન અરજી દાખલ કરી હતી. જેમાં રાજ્ય સરકારને તમામ માહિતી સોગંદનામામાં રજૂ કરવા આદેશ કરવામાં આવ્યો હતો. જેમાં રાજ્યના પોલીસ વિભાગમાં હાલની સ્થિતિએ 21.3% જગ્યા ખાલી હોવાનો રાજ્ય સરકારે હાઇકોર્ટ સમક્ષ સ્વીકાર કર્યો છે.
રાજ્ય સરકાર દ્વારા હાઇકોર્ટમાં 96,194 કુલ જગ્યાઓમાંથી 73 હજાર જેટલા પદો પર ભરતી પૂર્ણ કરી દેવામાં આવી હોવાની જાણકારી પણ આપવામાં આવી છે અને કુલ 22000 જેટલી જગ્યાઓ હાલ ખાલી છે. આ ઉપરાંત રાજ્ય સરકારે સોગંદનામાં સ્વીકાર કર્યો કે સ્ટેટ રિઝર્વ ફોર્સ ની કુલ જગ્યાઓમાંથી 4000 જેટલી જગ્યાઓ પણ ખાલી છે. ત્યારે આ પૈકી પોલીસ વિભાગમાં સાત હજાર જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.