અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા બાકી પ્રોપર્ટી ટેક્સ વસૂલાત ઝુંબેશ હેઠળ તેના ડિફોલ્ટર્સની મિલકતને સીલ મરાઈ રહ્યાં છે. આ સીલિંગ ઝુંબેશ હેઠળ તંત્ર દ્વારા આજે શુક્રવારે મેગા સિલિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત આજે એક જ દિવસમાં કોર્પોરેશન દ્વારા 6,016 જેટલી મિલકતોને સીલ કરવામાં આવી છે. આ ઉપરાંત રૂપિયા 20 કરોડની આવક થઈ છે. મેગા સિલિંગ ઝુંબેશ અંતર્ગત સૌથી વધારે પૂર્વ ઝોનમાં 2,226 જેટલી મિલકતોને સીલ કરવામાં આવી છે. આગામી દિવસોમાં પણ આ મેગા સિલિંગ ઝુંબેશ યથાવત રહેશે, તેમ રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા પ્રોપર્ટી ટેક્સમાં 100 વ્યાજ માફીની સ્કીમ અમલમાં મૂકાઈ હતી. બાદમાં એડવાન્સ રિબેટની સ્કીમ પણ મુકાઈ છે. બીજી તરફ તંત્રના આવા પ્રયાસો છતાં પણ એક અથવા બીજા કારણસર પ્રોપર્ટી ટેક્સ સમયસર ભરવાનું ટાળનારા કરદાતાઓ પણ છે. ત્યારે કોર્પોરેશન દ્વારા મેગા સિલિંગ ઝુંબેશ સહિત રોજ કડક સિલિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે, જેમાં મિલકતો સીલ કરવામાં આવે છે. શુક્રવારે મેગા ટ્રીગર સિલિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવે છે, જે અંતર્ગત સૌથી વધુ પૂર્વ ઝોનમાં 2,226, મધ્ય ઝોનમાં 681, પશ્ચિમ ઝોનમાં 772, દક્ષિણ ઝોનમાં 828, ઉત્તર ઝોનમાં 221, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 507 અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં 781 એમ કુલ 6,016 મિલકતો સીલ કરી છે.