અમદાવાદ : અમદાવાદના નારણપુરામાં આવેલ ધરતી વિકાસ મંડળ દ્વારા રવિવારે સવારે 8-30 વાગ્યાથી બપોરે 12-30 સુધી ધરતી વિકાસ મંડળના કેમ્પસ ખાતે મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ રોગના નિષ્ણાંત ડોકટરોએ સેવા આપી હતી. આ મેગા મેડીકલ કેમ્પમાં 800 થી વધુ જરૂરિયાતમંદ લોકોને દરેક રોગોની સામાન્યથી લઈને સર્જીકલ એમ દરેક પ્રકારની ઉચ્ચ આધુનિક સારવાર તદ્દન નિઃશૂલ્ક આપવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ નારણપુરામાં આવેલ ધરતી વિકાસ મંડળ દ્વારા રવિવારે સવારે 8-30 થી 12-30 સુધી નિ:શુલ્ક મેગા મેડિકલ (Mega Medical) કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેગા મેડિકલ કેમ્પનો પ્રારંભ નારણપુરાના ધારાસભ્ય જીતેન્દ્રકુમાર રમણલાલ પટેલ (ભગત) અને મંડળના હોદેદારો દ્વારા દીપપ્રાગટ્ય દ્વારા કરાયો હતો. જેમાં શહેરના ખ્યાતનામ હોસ્પિટલના નિષ્ણાતો અને ડોક્ટર્સ (Doctor) દ્વારા દર્દીઓને નિઃશુલ્ક કન્સલ્ટેશન કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડી સારવાર આપવામાં આવી હતી.
આ મેગા મેડિકલ કેમ્પમાં જરૂરિયાતમંદ દર્દીઓને સુગર ટેસ્ટ, BMI, BMD ટેસ્ટ (હાડકાની તપાસ), કાડિયોગ્રમ (ECG) વિનામૂલ્યે કરી આપવામાં આવ્યા હતા.આ ઉપરાંત લોહીની તપાસ તથા પેશાબની તપાસના રિપોર્ટ અને XRay, સોનોગ્રાફી પણ રાહતદરે કરી આપવામાં આવ્યા હતા.