અમદાવાદ : આગામી 1લી જુલાઈથી અમરનાથની યાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે યાત્રાએ જનારા શ્રદ્ધાળુઓના રજીસ્ટ્રેશન સાથે ફિટનેસ સર્ટિફિકેટ પણ ફરજીયાત કરાયા છે. જેમાં અમરનાથ યાત્રાએ જવા માટે જરૂરી ફિટનેસ સર્ટિફિકેટ અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા આપવામાં આવી રહ્યું છે. ગુજરાતમાંથી ચારધામ યાત્રાએ જનારાઓની સંખ્યા વધુ હોય છે. જેમાં ગુજરાતમાંથી દર વર્ષે 10 થી 12 હજાર લોકો ચારધામ યાત્રાએ જતા હોય છે. આ સાથે અમરનાથના બર્ફીલા ભોલેનાથ દાદાના દર્શન કરવા હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ જાય છે. અમરનાથ ધામ એ બરફની વચ્ચે ઊંચાઈ પર આવેલું હોવાથી શ્રદ્ધાળુઓને ત્યાં જવા માટે સરકાર દ્વારા ગાઈડલાઈન બનાવવામાં આવી છે.
સૌપ્રથમ અમરનાથ યાત્રાની વેબસાઈટ પરથી ફિટનેસ સર્ટિફિકેટ ડાઉનલોડ કરો. ત્યારબાદ તેની પ્રિન્ટ કઢાવી જરૂરી માહિતી ભરો. ત્યારબાદ તેની સાથે જરૂરી ડોક્યુમેન્ટ લઈ સિવિલ હોસ્પિટલના ઓપીડી ડિપાર્ટમેન્ટમાં જવું. હોસ્પિટલમાં ડોક્ટરની સલાહ મુજબ જે તે રિપોર્ટ કરાવવાના રહેશે. જે વ્યક્તિનું સ્વાસ્થ્ય યોગ્ય જણાશે તો તેમને મેડીકલ સર્ટિફિકેટ આપવામાં આવશે.13 વર્ષથી નાની ઉંમરના બાળકો અને 75 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધ વ્યક્તિઓને ફિટનેસ સર્ટિફિકેટ નહીં મળે. ગર્ભવતી મહિલાઓ અને બાયપાસ સર્જરી કે સ્ટેન્ટ મૂકાયેલ વ્યક્તિઓને પણ મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવશે નહીં.
અમદાવાદ શહેરમાંથી અમરનાથના દર્શન કરવા જનાર શ્રદ્ધાળુઓ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી ફિટનેસ સર્ટિફિકેટ કાઢી આપવામાં આવે છે. જેમાં યાત્રાળુઓ પોતાની સાથે 4 પાસપોર્ટ સાઇઝના ફોટા, આઇ.ડી. પ્રૂફ (આધાર કાર્ડ, પાન કાર્ડ, વોટિંગ કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ પૈકી એક) ની ઓરિજિનલ અને ઝેરોક્ષ નકલ તેમજ ફરજિયાત હેલ્થ સર્ટિફિકેટ ફોર્મ (બે નકલ) સાથે રૂબરૂ આવવાનું રહેશે.
સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. રાકેશ જોશી સાથે વાત કરતા જણાવ્યું કે અમરનાથ યાત્રાએ જતા શ્રદ્ધાળુઓને તકલીફ પડે નહીં તે માટે સિવિલ હોસ્પિટલમાં કેસબારી, લેબોરેટરી રૂમ, ઇસીજી અને અન્ય તબીબી તપાસ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં યાત્રાળુઓ પોતાનુ મેડીકલ ચેક અપ કરાવી ફિટનેસ સર્ટિફિકેટ મેળવી શકશે. જેની કોઈ ફી લેવામાં આવશે નહીં.