અમદાવાદ : અમરનાથ યાત્રાની સત્તાવાર શરૂઆત થયા પહેલા પ્રથમ વખત બરફાની બાબાની તસવીર સામે આવી છે. અમરનાથ ભગવાનની વર્ષ 2023 ની આ પ્રથમ તસવીર છે. અનેક શિવભક્તો અમરનાથ યાત્રા કરીને ભગવાનના દર્શન કરશે ત્યારે તમે પણ ઘરે બેઠા અમરનાથ બાબાના દર્શન કરી શકો છો. સત્તાવાર રીતે અમરનાથ યાત્રા શરૂ થાય તે પહેલા મે મહિનાના પહેલા સપ્તાહમાં કેટલાક શ્રીભક્તો ગુફા સુધી પહોંચ્યા હતા અને અમરનાથ બાબાના દર્શન કર્યા હતા. દર્શન કરીને અમરનાથ ભગવાનની પહેલી તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ તસવીરમાં અમરનાથ ગુફા અને બાલતાલ સહિતના વિસ્તારો પણ જોઈ શકાય છે. તસવીરમાં જોઈ શકાય છે કે ચારે તરફ બરફ છે અને ગુફાની અંદર શિવલિંગનો આકાર દેખાય છે. અમરનાથ યાત્રા શરૂ થવામાં હજી બે મહિનાનો સમય છે. તંત્ર દ્વારા અમરનાથ યાત્રાની તૈયારીઓ કરવામાં આવી રહી છે તેવામાં અમરનાથ ભગવાનની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.
આ અંગે મળતી જાણકારી અનુસાર કેટલાક ભક્ત યાત્રા શરૂ થાય તે પહેલા ગુફા સુધી પહોંચ્યા હતા. અને તેમણે આ તસવીરો ક્લિક કરી હતી. જોકે આ તસવીરો અંગે અમરનાથ શ્રાઇન બોર્ડ તરફથી કોઈ જ પૃષ્ટિ કરવામાં આવી નથી. મિર્ચી ન્યૂઝ પણ આ વાયરલ તસવીરોની પુષ્ટિ કરતું નથી.
ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા અમરનાથ યાત્રાની તૈયારીઓ એપ્રિલ મહિનાથી જ શરૂ કરી દેવામાં આવી હતી. અમરનાથ ગુફા સુધી જતા રસ્તાની બંને તરફથી બરફ હટાવવાનું કામ હાલ ચાલી રહ્યું છે. આ સિવાય યાત્રીઓ માટે અન્ય સુવિધાઓની તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે. અનુમાન છે કે આ મહિનાના અંત સુધીમાં ગુફા સુધીના રસ્તાને ખોલવાનું બધું જ કામ પૂરું કરી લેવામાં આવશે.