અમદાવાદ : અમદાવાદમાં સ્વચ્છતા જાળવવા નવી પહેલ AMC દ્વારા શરૂ કરાઈ છે. અમદાવાદમાં પાન મસાલાના શોખીનો ગલીએ ગલીએ છે. ત્યારે આ પાન મસાલા જાહેરમાં પીચકારી મારતા હોય છે. આવામાં AMCએ આવા વ્યસનીઓ પર લાલ આંખ કરી છે, જેઓ જાહેરમાં પાનની પીચકારી મારીને ગંદકી ફેલાવી રહ્યાં છે. અમદાવાદમાં હવે જાહેરમાં થૂંકનાર અને પાનની પીચકારી મારનારા પાસેથી દંડ વસૂલવામાં આવશે. AMCએ આવા લોકો પાસેથી દંડ વસૂલવાનું શરૂ કર્યું છે. ગંદકી કરતા વ્યસનીઓને ઈ-મેમો ફટકારવામાં આવશે.
અમદાવાદમાં પાન-મસાલાના શોખીનો માટે આ સમાચાર ઝટકા સમાન છે. પરંતુ સતત વધી રહેલા આ વ્યસનનો શોખ હવે શહેરના રસ્તાઓને લાલઘૂમ કરી રહ્યો છે. રસ્તાઓ લાલ રંગથી રંગાઈ રહ્યાં છે. ગંદકી ફેલાઈ રહી છે. માત્ર અમદાવાદ જ નહિ, સુરતમાં પણ આ પ્રકારનો પ્રોજેક્ટ અમલમાં મૂકાયો છે. AMCના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પરથી જાહેરમાં થૂંકનારાઓ પર નજર રાખવામાં આવશે. જેના દ્વારા જાહેરમાં થૂંકનારાઓની માહિતી પોલીસને મોકલવામા આવશે. પોલીસ દ્વારા આવા લોકોને દંડ ફટકારવામા આવશે. જાહેરમાં પીચકારી મારતા પકડાયા તો સીધો મેમો ઘરે જ આવશે. તેથી આવુ કરનારા દંડ ભરવા તૈયાર રહેજો.એક રિપોર્ટ મુજબ, સુરતમાં જાહેર રસ્તા પર થૂંકનારા 18,000 લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.
સ્વચ્છતા જાળવવા માટે ગુજરાતના શહેરોએ કમર કસી છે. આવામાં પાન-મસાલાનું દૂષણ મોટું વ્યસન બનીને ઉભરી રહ્યું છે. તેના પર લગામ લાવવા માટે આ પ્રકારની દંડાત્મક કાર્યવાહી કરાશે.