અમદાવાદ : શહેરના અતિ પોશ ગણાતા સિંધુ ભવન રોડ પર રાત પડતાની સાથે અનેક નબીરાઓ કલર કરતા જોવા મળે છે. આવો જ એક નબીરો શહેર પોલીસના હાથે ઝડપાયો છે. તેમાં જાણવા મળ્યુ હતુ કે, આરોપી યુવકના પરિવારમાં કે કોઈ સંબંધી રાજ્યસેવક ન હોવા છતાં આ રીતે પાટિયું મારીને ફરતો હતો. ત્યારે પોલીસે ગુનો નોંધી ગાડી કબજે લઇ યુવકની ધરપકડ કરી વધુ તપાસ આરંભી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ શહેરના સિંધુભવન રોડ પર આવેલા ઓક્સિજન પાર્ક પાસે એક કાળા રંગની ગાડી ઉભી હતી. આ દરમિયાનમાં ઝોન 7 ડીસીપી બી.યુ. જાડેજા રાઉન્ડ પર નીકળ્યા હતા. તેમણે આ ગાડીને જોતા જ ગાડી રોકાવી હતી. ગાડીમાં બેસેલા યુવકોને ઉતારીને ડીસીપીએ તેમની પૂછપરછ કરી હતી. ગાડીમાં બેસેલા યુવક અને તેના મિત્રને બહાર બોલાવી પૂછ્યું હતું કે, તેઓ મોડી રાત્રે રોડ પર ગાડી ઉભી રાખી શું કરી રહ્યા છે.
આ ઉપરાંત ડીસીપીએ ગાડી પર બ્લેક ફિલ્મ જોઈ તો આ બાબતે યુવકને ઠપકો આપ્યો હતો. ત્યારબાદ ગાડીમાં કોઈ શંકાસ્પદ વસ્તુ છે કે નહીં તે બાબતે ખરાઈ કરતા ડેશબોર્ડ પર MLA ગુજરાત લખેલું પાટીયું મળી આવ્યું હતું. તેથી ડીસીપીએ સરખેજ પોલીસને જાણ કરતા પોલીસે માનવસિંહ મહેન્દ્રસિંહ ચાવડા (ઉ.૨૧, રહે. સેક્ટર-૨, ગાંધીનગર) સામે ગુનો નોંધી તપાસ કરી હતી.
સરખેજ પોલીસે MLA ગુજરાતનું પાટિયું કેમ લગાવ્યું તે બાબતે પૂછતા માત્ર શોખ માટે લગાવ્યું હોવાની કબૂલાત કરી હતી. જો કે, માત્ર રોફ ઝાડવા માટે જ તેણે આ પાટિયું લગાવી ફરતો હતો. માનવસિંહ ચાવડા નામનો યુવક કોલેજમાં અભ્યાસ કરે છે અને તેના પિતા કોન્ટ્રાક્ટર છે. તે રાત્રે સિંધુભવન રોડ પર આવી તેના મિત્ર સાથે આનંદ કરતો હતો પણ પોલીસે રંગમાં ભંગ પાડી ગાડી કબજે લઇ કાયદાના પાઠ ભણાવ્યા હતા.