અમદાવાદ : અમદાવાદના આનંદનગર વિસ્તારમાં ગઈકાલે એક વોલ્વો કાર ચાલકે પૂરપાટ ઝડપે આવીને ત્રણ ટુ-વ્હીલર ચાલકને અડફેટે લીધા હતા. જેમાં વાહનચાલકોને ઈજા પણ પહોંચી હતી.બનાવ બાદ પોલીસ સ્થળ પર પહોંચીને આરોપીને ઇજા થઈ હોવાથી હોસ્પિટલ લઈ ગઈ હતી .જ્યાં કારચાલક આરોપી સારવાર લીધા વિના જ ફરાર થઈ ગયો હતો, જેની આજે પોલીસે ધરપકડ કરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ આનંદનગર રોડ પર ગઈકાલે વોલ્વો કાર ચાલકે પૂરપાટ ઝડપે આવીને અકસ્માત સર્જ્યો હતો. જેમાં ત્રણ લોકોને ઈજા પહોંચી હતી. અકસ્માતમાં ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે કારચાલકને આસપાસના લોકોએ પકડીને પોલીસને સોંપ્યો હતો.પોલીસ કારચાલક નિહાલ પટેલને ઇજા થયો હોવાથી 108 દ્વારા હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં સારવાર લીધા વિના જ તે નાસી ગયો હતો.
ટ્રાફિક પોલીસે આ મામલે તપાસ કરતા વોલ્વો ઘોડાસર વિસ્તારના રહેતા વ્યક્તિની હતી.પરંતુ ત્યાં જઈને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ઘોડાસરના વ્યક્તિએ આ કાર માણેકબાગમાં રહેતા નિહાલ પટેલને વેચી હતી. જેથી પોલીસ નિહાલ પટેલના માણેકબાગનું સરનામું મેળવી નિહારના ઘરે પહોંચી હતી. જ્યાંથી પોલીસે તેની ધરપકડ કરી છે.
પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, નિહાલ પટેલે કાર ખરીદ્યા બાદ તેનું આરટીઓમાં રજીસ્ટર કરાવ્યું ન હતું. ગઈકાલે અકસ્માત કર્યો તે દરમિયાન પણ તેણે નશીલા પદાર્થોનું સેવન કર્યું હતું. હોસ્પિટલમાં ચેકઅપ કરાવ્યા બાદ ધરપકડથી બચવા નિહાલ ઘરે જતો રહ્યો હતો. જો કે હવે પોલીસે નિહાલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.