અમદાવાદ : વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને પણ કોરોનાને વૈશ્વિક મહામારીના લિસ્ટમાંથી દૂર કરી છે. હવે ગુજરાતમાં કોરોનાના કેસ નહિવત થઈ ગયા છે. આંગળીના વેઢે ગણી શકાય તેટલા કેસ આવ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ AMCએ પણ જરૂરી નિર્ણયો લીધા છે કે જેમાં અમદાવાદમાં કોરોના થશે તો ઘરે જ સારવાર કરાવાશે. જરૂર પડી તો જ SVP હોસ્પિટલમાં ખસેડવામા આવશે. AMC દ્વારા કોરોના વેક્સિનેશન બંધ કરી દેવાનો અને જરૂર હોય તેવા જ દર્દીઓને એસવીપી હોસ્પિટલમાં સારવાર માટે એક વોર્ડ ચાલુ રાખવાનો નિર્ણય કરાયો છે.
આ ઉપરાંત અર્બન હેલ્થ સેન્ટર પર માત્ર ટેસ્ટીંગની વ્યવસ્થા ચાલુ રખાશે. તેમજ મ્યુનિ.ની હોસ્પિટલમાં આ સુવિધા ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત કોરોનાના હળવી અસર હશે તો દર્દીને ઘરે જ સારવાર આપવામાં આવશે.જો દર્દીની હાલત ગંભીર જણાશે તો જ તેને SVPમાં સારવાર અપાશે.આ માટે એસવીપીમાં એક વોર્ડ ચાલુ રાખવામા આવનાર છે, જે કોરોનાના દર્દી માટે હશે. કોરોના મહામારી સમયે ખાનગી હોસ્પિટલોમાં જે બેડ સંપાદન કરવામાં આવતા હતા, તે બધુ હવે બંધ કરવામાં આવ્યું છે. ઓક્સિજન પ્લાન્ટ પણ જરૂરિયાત પ્રમાણે કે મેઈનટેન્સ માટે ચલાવવામાં આવી રહ્યાં છે.