અમદાવાદ : અમદાવાદમાં AMTS ના બસ ડ્રાઈવર કેટલા બેદરકાર બની ગયા છે તેનું એક તાજુ ઉદાહરણ સામે આવ્યું છે. તાજેતરમાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમા એક બસ ડ્રાઈવર ચાલુ બસે મોબાઈલ ફોનથી વાત કરતો નજરે ચઢી રહ્યો છે. બસ ડ્રાઈવર પૂરપાટ ઝડપે એક હાથે બસ ચલાવી રહ્યો છે અને એક હાથે ફોન પર વાત કરી રહ્યો છે. બસમાં બેઠેલા જાગ્રત નાગરિકે આ વીડિયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો છે.
View this post on Instagram
સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઈરલ થયો છે, જેમાં AMTS બસ ડ્રાઈવર પોતાની બસ પૂરઝડપે હાઇવે ઉપર ચલાવી રહ્યો છે. એક હાથે બસ ચલાવે છે અને બીજા હાથે મોબાઈલ પર વાત કરી રહ્યો છે. બસમાં ડ્રાઇવર સીટની પાછળ જ બેઠેલા જાગ્રત નાગરિકે આ વીડિયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ 143 રૂટ નંબરની કુબડથલ ગામથી સારંગપુરની બસ હોવાનું જાણવા મળ્યું છે. બસમાં બેઠેલા લોકોના જીવને આ રીતે બસના ડ્રાઇવરે જોખમમાં મૂક્યો હોવાની માહિતી AMTSના સત્તાધીશો સુધી પહોંચી છે.
AMTS બસના ડ્રાઈવરો દ્વારા હવે અવારનવાર બસમાં બેસતા લોકોના જીવને જોખમમાં મૂકવાના કિસ્સા દિવસે ને દિવસે વધી રહ્યા છે. બસના ડ્રાઇવરો દ્વારા ચાલુ ફરજ દરમિયાન દારૂ પીને બસ ચલાવવામાં આવે છે તો ક્યારેક મોબાઈલ પર વાત કરતા એક હાથે જ બસ ચલાવતા હોય છે. બેફામ ડ્રાઇવિંગ કરે છે તો ક્યારેક ચાલુ બસે તેઓ ફોન પર વાત કરતા હોય છે અને ધ્યાન નથી હોતું ત્યારે અકસ્માત સર્જાવાના કિસ્સાઓ વધી જતા હોય છે.