અમદાવાદ : અમદાવાદ સિવિલ મેડિસીટીમાં કાર્યરત ગુજરાત કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ(GCRI)ના ડૉક્ટરે બે એન્જિનયર્સની મદદથી ઇન્ટેલીજન્સ બાયોપ્સી ગન બનાવી છે. આ બાયોપ્સી ગનની મદદથી બોન મેરો અને બાયોપ્સી માટે ટિશ્યુ લેવાની પધ્ધતિ વધુ સરળ બનશે. વધુમાં આ અનોખા ઉપકરણને માર્ચ મહિનામાં પેટન્ટ પણ કરાવવામાં આવ્યું છે. જે આગામી ત્રણ મહિનામાં બજારમાં ઉપલબ્ધ બનશે.
અમદાવાદ શહેરના એક ડૉક્ટરે બે એન્જિનિયરો સાથે મળીને એક ઉપકરણ ડિઝાઇન કર્યું છે, જેથી અસ્થિ બાયોપ્સી અને બોન મેરો ટીશ્યુ લેવાનું સરળ બનાવશે. બાયોપ્સી માટે હાડકામાંથી પેશી લેવી સામાન્ય રીતે પીડાદાયક હોય છે, ત્યારે ટીમે સેન્સર સાથેનું એક સ્વયંસંચાલિત ઉપકરણ વિકસાવ્યું છે.જે એક જ વારમાં તપાસ માટે હાડકામાંથી શ્રેષ્ઠ પેશી કાઢવામાં સક્ષમ હશે. આ ઉપકરણને ઇન્ટેલિજન્ટ બાયોપ્સી ગન નામ આપવામાં આવ્યું છે.ટીમ દ્વારા આ પ્રકારનું ઉપકરણ જે બાયોપ્સી માટે આપમેળે કામ કરે છે તે વિશ્વમાં પ્રથમ હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે.
ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI) ના ઓર્થોપેડિક કેન્સર સર્જન અભિજીત સાલુંકેએ જણાવ્યું હતું કે, હાડકામાંથી બાયોપ્સી માટે ટિશ્યૂ લેવાથી સામાન્ય રીતે પીડા થાય છે. સામાન્યત: અંદાજના આધારે આ પેશી ડ્રિલ જેવા મશીનમાંથી લેવામાં આવે છે. કેટલીકવાર દર્દીને એક કરતા વધુ વખત ટિશ્યૂ લેવાની જરૂર પડે છે. યોગ્ય પેશી મળી છે કે નહીં તે જાણવું સરળ નથી. તદ્ઉપરાંત, આસપાસની ચેતાને નુકસાન થવાનું જોખમ રહેલું છે.
ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેક્નોલોજી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ (IIT રામ), અમદાવાદના એન્જિનિયર ડૉ.રાઘવેન્દ્ર ભાલેરાવ અને ડૉ. કૃપા શાહને મળીને દર્દીઓના હાડકાની બાયોપ્સીની સમસ્યાના સંભવિત ઉકેલ વિશે ડિવાઇસ વિકસાવવા રજુઆત કરી હતી. જેના પરિણામે ડો. ભાલેરાવ અને ડો. શાહ (બંને એન્જીનીયરો) સાથે મળીને ત્રણ મહિનામાં એક ઉપકરણ તૈયાર કર્યું છે જે બોન બાયોપ્સી અને બોન મેરો ટિશ્યૂ મેળવવામાં સંપૂર્ણ રીતે સફળ છે તેમ ડૉ. સાલુંકેએ ઉમેર્યુ હતુ.
ડૉક્ટરે દાવો કર્યો છે કે, અત્યાર સુધી દુનિયામાં ક્યાંય પણ આવું કોઈ ઉપકરણ નથી. સેન્સર વિનાના મશીનો હાલમાં કાર્યરત હોવા છતાં, સેન્સરવાળા ઉપકરણો ક્યાંય જોવા મળતા નથી. તેઓ વધુમાં જણાવે છે કે, સોયના આગળના ભાગમાં સેન્સરની હાજરીને કારણે ઇન્ટેલિજન્ટ બાયોપ્સી ગન ઓટોમેટિક સ્તરે કામ કરશે. ઉપકરણની મદદથી હાડકામાં કેટલું ઊંડું અને કયા દબાણ સાથે જવું છે તે પણ જાણી શકાશે.
ગુજરાત કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટના ડાયરેક્ટર ડૉ. શશાંક પંડ્યાએ જણાવ્યું હતુ કે, આ પ્રકારના આધુનિક ઉપકરણ એક જ વારમાં હાડકામાંથી પેશીઓનું બાયોપ્સી કરવાની મંજૂરી આપશે. જેના કારણે દર્દીઓની પીડા ઓછી થશે અને રિકવરી પણ ઝડપથી થશે. ફરીથી અને ફરીથી પરીક્ષણ કરવાની જરૂર રહેશે નહીં. નસ વગેરે કાપવાનું જોખમ પણ ઓછું રહેશે. એકંદરે આવા ઉપકરણથી દર્દીઓને ફાયદો થઈ શકે છે. અમારી હોસ્પિટલમાં દર વર્ષે સરેરાશ 600 જેટલી બાયોપ્સી કરવામાં આવે છે. આ પ્રકારના ડિવાઇઝ બાયોપ્સીને સચોટ, સરળ અને તેના પરિણામ શ્રેષ્ઠ બનાવશે તેમ તેમણે ઉમેર્યુ હતુ.