અમદાવાદ : અમદાવાદ શહેરમાં હવે પાર્કિંગ સ્થળો જાણે દારૂના અડ્ડા બની ગયા છે. દારૂના વ્યસનીઓ માટે પાર્કિંગ સ્ટેન્ડ દારૂ લેવા નવું સરનામું બની ગયા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રથયાત્રા પહેલા વધુ એકવાર પાર્કિંગ સ્ટેન્ડમાં ચાલતા દારૂના અડ્ડાનો પર્દાફાશ કર્યો છે. આ મામલે પોલીસે 2 આરોપીની ધરપકડ પણ કરી લીધી છે. જ્યારે અન્ય એક આરોપીને પકડવા દારૂ લઈને જતી એક કારનો ફિલ્મી ઢબે ક્રાઈમ બ્રાન્ચની ટીમે પીછો કર્યો. જેમાં એક આરોપી કૂદીને ફરાર થઈ ગયો.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ શહેરના ક્રાઈમ બ્રાન્ચે રાણીપ એસટી બસ સ્ટેન્ડના પાર્કિંગના બેઝમેન્ટના લેવલ-2માંથી દારૂ ભરેલી બે કાર સાથે બે આરોપીની ધરપકડ કરી છે. જેમાં 97 હજારની કિંમતની 771 દારૂની બોટલ સહિત કુલ 6,57,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે પોલીસે અંકિત પરમાર અને કેસરસિંહ રાજપૂત નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપી અંકિત પરમાર વિરુદ્ધ શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં 10 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે, જ્યારે બોપલ પોલીસ સ્ટેશનમાં તે વોન્ટેડ આરોપી છે. આરોપી અંકિત રાજસ્થાનથી આ દારૂ લાવ્યો હતો, જેનું વેચાણ પણ એસટી બસ સ્ટેન્ડના પાર્કિંગમાંથી જ કરતો હતો.
આ અગાઉ 18 મેના દિવસે નવરંગપુરાના AMC સંચાલિત મલ્ટી લેવલ પાર્કિંગમાંથી દારૂ ભરેલી ચાર કાર ઝડપી પાડી હતી. તેવામાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ હવે બુટલેગરો દ્વારા દારૂ માટે અજમાવતા નવા કિમિયા પર કાબુ કરવા માટે અન્ય પાર્કિંગ સ્ટેશનમાં પણ તપાસ કરશે.