અમદાવાદ: અમદાવાદમાં બાકી પ્રોપર્ટી ટેક્ષની વસુલાત માટે AMC દ્વારા વધુ એક આકરા નિર્ણય લેવામાં આવ્યો છે. AMCની રેવન્યુ કમિટીની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવાયો છે. સેક્ટર મુજબ એકમોની ઓળખ કરી રેડ નોટિસ પાઠવવાની શરૂઆત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત AMCની રેવન્યુ કમિટીની બેઠકમાં નગરજનોના હિતમાં વધુ એક નિર્ણય લેવાયો છે. 30-9-2023 સુધી 2000ની નોટથી ટેક્સ ભરી શકાશે. આ નિર્ણયથી 2000 રૂપિયાની નોટ ધારકોને ફાયદો એ થશે કે તેમને બેંકનો ધક્કો નહી ખાવા પડે અને તે લોકો ટેક્સ ભરવામાં આ નોટનો ઉપયોગ કરી શકશે.
પ્રથમ તબક્કામાં ટેલિકોમ સેકટરની ઓળખ કરી કરોડોના બાકી ટેક્ષની વસુલાત હાથ ધરાઈ છે. વોડાફોન, આઈડિયા, રિલાયન્સ સહિત 6 કંપનીઓને નોટિસ પાઠવામાં આવી છે. તેમને જણાવી દઈએ કે, આ 6 કંપનીઓનો રૂ. 2.21 કરોડનો ટેક્ષ બાકી છે. ટેલિફોન કંપનીઓ ટેક્સ નહી ભરે તો આરઓ પરમિટ નહી આપવામાં આવે તેવી પણ ચેતવણી આપવામાં આવી છે, જરૂર પડ્યે સીલિંગ અને તેમની મિલ્કત હરાજીની પ્રક્રિયા પણ કરવામાં આવશે.
હાલ ટેલિકોમ સેક્ટર બાદ આગામી સમયમાં હોટલ અને હોસ્પિટાલિટી સેક્ટર, કન્સ્ટ્રક્શન અને રિટેલ સેકટરના એકમોને પણ રેડ નોટિસ આપવામાં આવશે. કોઈપણ નાગરિક વર્તમાન નાણાંકીય વર્ષ ઉપરાંત આગામી વર્ષોનો કોઈપણ રકમનો એડવાન્સ ટેક્સ રૂ 2000ની નોટ મારફતે ભરશે, તો 30 સપ્ટેમ્બરની મુદત સુધી 2000ની નોટ સ્વીકારવામાં આવશે.
તમને જાણીને નવાઈ લાગશે કે હવે અમદાવાદમાં પ્રોપર્ટી ટેક્સ ભરવા માટે ઓફિસોના ધક્કા ખાવાની જરૂર નહીં પડે. તમે ઘરબેઠા ફોન પરથી જ આ પ્રોપર્ટી ટેક્સ ભરી શકો છો. અમદાવાદ મ્યુનિ. દ્વારા નવી ઓનલાઈન વ્યવસ્થા કરાઈ છે. જેમાં હવે લોકો ઘરે બેઠા જ વોટ્સએપ પર પણ પ્રોપર્ટી ટેક્સ ભરી શકશે.