અમદાવાદ : દારુની બદીને સતત ધમધમતી રાખવા બુટલેગરો નીતનવા કીમિયા અજમાવતા રહે છે. જોકે પોલીસ પણ આવા ઘણા કીમિયાનો પર્દાફાશ કરી ચુકી છે. પણ હાલમાં જ અમદાવાદમાં એક અલગ જ ભેજું દોડાવીને બુટલેગરે દારુની હેરફેર કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેને તેમાં નિષ્ફળતા મળી છે. થયું એવું છે કે બુટલેગરે પોલીસને થાપ આપવા માટે એસિડ ભરવાના ટેન્કરમાં ઠસોઠસ દારૂની બોટલો અને પેટીઓ ભરી દીધી હતી. આ જોતાં જ થોડીવાર તો વિજિલન્સની ટીમ પણ ચોંકી ઊઠી હતી, કારણ કે, બહારથી જોતાં કોઈ એસિડ ભરેલું ટેન્કર જતું હોય એવું લાગતું હતું, પરંતુ અંદર 17 લાખના અલગ અલગ બ્રાન્ડની દારૂની બોટલો અને બિયરનાં ટિન ભરેલાં હતાં.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ ગામડી રિંગ રોડ પર આવેલા ગામડી ચોકડી પાસે એસિડના ટેન્કરની અંદર દારૂ જતો હોવાની બાતમી વિજિલન્સની ટીમને મળી હતી. પહેલા તો કોઈને પણ અંદાજ ન આવે કે ટેન્કરની અંદર દારૂ હશે, પણ બાતમીના આધારે પોલીસે એ જગ્યાએ ટેન્કરને રોકી હતી. ટેન્કરની અંદર કેમિકલ હશે એવી શંકાને આધારે પહેલા પોલીસે એક વ્યક્તિને ટેન્કર ખોલવા માટે ઉપર ચડાવી હતી અને ટેન્કર ખોલતાં જ એની અંદર અલગ અલગ બ્રાન્ડની દારૂની બોટલ અને બિયરનાં ટિન હતાં. પોલીસે અંદાજે ટેન્કરની અંદરથી 17 લાખનો દારૂ જપ્ત કર્યો છે, જ્યારે આ સમગ્ર રેડ દરમિયાન કુલ 27 લાખથી વધુનો મુદ્દામાલ પણ પોલીસે જપ્ત કર્યો છે.
પોલીસ-તપાસમાં આ દારૂ ભરેલું ટેન્કર રાજસ્થાનથી આવ્યાનું ખૂલ્યું હતું. જોકે દારૂની ડિલિવરી થાય એ પહેલાં જ વિજિલન્સને સફળતા મળી છે. રથયાત્રા સમયે પોલીસને વિવિધ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવાની સૂચના અપાઈ છે, પરંતુ સ્થાનિક પોલીસ દારૂ ભરેલું આ ટેન્કર પકડવામાં નિષ્ફળ સાબિત થઈ છે, જ્યારે વિજિલન્સની ટીમે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી આ ટેન્કર ઝડપી પાડ્યું છે.