અમદાવાદ : તાજેતરમાં જ ધોરણ 10 અને 12ના પરિણામો આવી ગયા છે. પાસ થયેલ વિધાર્થીઓની પીઠ થાબડવામાં આવે છે, શાળાઓ અને ટ્યુશન કલાસીસ વાળા શ્રેય લેવા પહોંચી જાય છે, પરંતુ નાપાસ થયેલ વિધાર્થી માટે શાળા સાથેનો સંબંધ કાયમ માટે તૂટી જાય છે, એટલું જ નહિ વિધાર્થીની સામે જોવા પણ કોઈ તૈયાર થતું નથી, આવામાં અમદાવાદની એક શાળા કરી રહી છે જેના અંગે જાણીને આપ જરૂરથી તેને સલામ કરી દેશો. અમદાવાદની એચ બી કાપડિયા સ્કૂલ 50 એવા વિદ્યાર્થીઓ જેઓ નાપાસ થયા હતા અને આગામી જુલાઈમાં લેવાનાર પૂરક પરીક્ષામાં સફળતા મળે તે માટે મહેનત કરી રહી છે.
પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદની એચ બી કાપડિયા સ્કૂલ 50 એવા વિદ્યાર્થીઓને પૂરક પરીક્ષામાં સફળતા મળે તે માટે મહેનત કરી રહી છે. શાળા વિદ્યાર્થીઓને પૂરક પરીક્ષામાં સારા પરિણામ માટે શાળામાં અભ્યાસ કરવા, તૈયારી કરવા માટે બોલાવે છે. છેલ્લા ત્રણ વર્ષમાં પૂરક પરીક્ષા માટે તૈયાર કરેલા 81 વિદ્યાર્થીઓ પાસ થઈ ગયા છે અને આ વખતે નવી બેચ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે, સ્કૂલનું પરિણામ 100 ટકા આવતું હતું પણ કોરોના પછી વિદ્યાર્થીઓના અભ્યાસથી લઈ બીજી ઘણી અસરો જોવા મળી જેના પછી સ્કૂલ દ્વારા નાપાસ થયેલા સ્ટૂડન્ટ્સનો ડેટા કલેક્ટ કરવામાં આવ્યો હતો. જે પ્રમાણે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો સંપર્ક કરી તેઓ નાપાસ હોય તે વિષય માટે અલગથી બેચ શરૂ કરીને તેમને અભ્યાસ કરાવાય છે.
હોશિયાર, ધનીક બાળકો પર તો કામ કરનારા હજારો જોયા હશે, તેમની સફળતાના શ્રેય પણ લેતા ઘણા જોયા હશે પરંતુ નાપાસ થયેલા, ભણવામાં ઓછો રસ ધરાવતા કે ગરીબ વર્ગના બાળકો માટે પણ મહેનત કરી તેમને કાબેલ બનાવનારા જવલ્લે જ જોવા મળતા હોય છે.જેના કારણે નાપાસ થવા પર અનેક લોકો અયોગ્ય રસ્તાઓ પર જતા રહે છે ત્યાં શાળાના આ પ્રયાસો એક ઉજાસની દિશામાં આગળ વધી રહ્યા છે.