અમદાવાદ: શહેરમાં અનેક હોટલ રેસ્ટોરન્ટ અને દુકાનોમાં બિનઆરોગ્યપ્રદ ખાણીપીણીનું વેચાણ થતું હોય છે. જેના પગલે AMCના આરોગ્ય અને ફૂડ વિભાગની ટીમ દ્વારા આજે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી હોટલ અને દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. હોટલ, રેસ્ટોરન્ટ અને ફરસાણની દુકાનોમાં તપાસ કરતાં એક જ તેલમાં અનેક વખત વસ્તુઓ તળવામાં આવી હતી. લોટના ડબ્બામાં જીવાતો મળી આવી હતી જ્યારે પાણીની ટાંકીમાં મચ્છરોના લાડવા અને ગંદુ પાણી મળી આવ્યું હતું. લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવતા ફૂડ વિભાગ દ્વારા કુલ 9 જેટલી ફરસારણની દુકાનો અને રેસ્ટોરન્ટને સીલ મારી હતી. 64 જેટલી રેસ્ટોરન્ટ અને ખાણીપીણીની દુકાનોના વેપારીઓ રૂ. 2.69 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.
AMCના ફૂડ વિભાગના જણાવ્યા મુજબ આજે શહેરના અલગ અલગ વિસ્તારોમાં આરોગ્ય અને ફૂડ વિભાગની ટીમો દ્વારા વિવિધ હોટલો અને દુકાનોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ભોજનાલય, રેસ્ટોરન્ટ અને ફરસારણની દુકાનોમાંથી નિયમો અનુસાર ખાદ્ય પદાર્થની જાળવણી ન કરી તેમજ સબ સ્ટાન્ડર્ડ ખોરાક મળી આવતા સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. કુલ 09 જેટલી દુકાનોમાં બિનઆરોગ્યપ્રદ ખાવાનું મળી આવ્યું હતું જેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે.
ફૂડ અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા જ્યારે દુકાનો અને હોટલમાં તપાસ કરવામાં આવી તો ત્યાંથી અનહાઇજેનિક કન્ડિશન મળી આવી હતી એટલે કે રસોડામાં એક જ તેલમાં અનેક વખત પૂરી તળવામાં આવતી હતી. ડોલ ભરી અને બળેલું તેલ પણ મળી આવ્યું હતું જે લોટથી પુરી બનાવવામાં આવતી હોય છે તે લોટ રાખવાના ડબ્બામાંથી જીવાતો મળી આવી હતી. દુકાનો અને હોટલ રેસ્ટોરન્ટના રસોડામાં ગંદકી હોવાના પગલે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. શહેરમાં આવી અનેક દુકાનો આવેલી છે જેના રસોડામાં આવી હાલત જોવા મળતી હોય છે.