અમદાવાદ : અમદાવાદમાં જાહેર રોડ પર ગંદકી કરનારા અને પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરનારા દુકાનદારો વિરુદ્ધ AMCના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ખાસ કરીને ચાની દુકાનો અને પાનના ગલ્લાની બહાર લોકો વધારે ગંદકી કરતા હોય છે. ચા પીધા બાદ કપ રોડ ઉપર જ ફેંકી દે છે અને જે કચરો સીધો ગટરમાં જાય છે અને તેના કારણે ગટરો ચોક થઈ જતી હોવાની ફરિયાદો મળી હતી. જેના પગલે પેપર કપ વાપરવા ઉપર પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો હતો. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા હવે ચાની દુકાનો અને પાન પાર્લરનીની બહાર સઘન ચેકિંગ હાથ ધર્યું છે. ગંદકી કરતા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરતા કુલ 10 જેટલી ચાની દુકાનોને સીલ મારી દેવામાં આવી છે.
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના જણાવ્યા મુજબ શહેરના વિવિધ વિસ્તારોમાં જાહેર રોડ ઉપર ગંદકી કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ઘાટલોડિયા, ગોતા, બોડકદેવ, થલતેજ સહિતના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ઘાટલોડિયા વિસ્તારમાં આવેલ ભેરુજી ટી સ્ટોલ-ઘાટલોડિયા ગામ, જય અંબે ટી સ્ટોલ-ભુયંગદેવ, શેષકૃપા ટી સ્ટોલ-ઘાટલોડિયા, મહાકાળી ટી સ્ટોલ-ઘાટલોડિયા, મહારાજ ટી સ્ટોલ-ઘાટલોડિયા, ચાની કીટલી-ઘાટલોડિયા, શિવાસ કોફીબાર-બોડકદેવ ચાની કીટલી-ઘાટલોડિયા, બ્રધર્સ પાન પાર્લર-ચાંદલોડિયા, ઓલ માઈટી-વંદે માતરમ રોડ 9 જેટલી ચાની દુકાનોને સીલ મારી દેવામાં આવી હતી. જ્યારે એક પાન પાર્લરની બહાર ગંદકી જોવા મળતા તેને પણ સીલ મારી દેવામાં આવ્યું છે.