અમદાવાદ : ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો દિવસ નજીક આવી રહ્યો છે. નાથની નગરચર્યા માટે તૈયારીઓ પૂર્ણતાના આરે છે. ત્યારે રથયાત્રાને લઈ પોલીસ દ્વારા કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ સુરક્ષાની તૈયારીને લઈ અમદાવાદમાં ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ રથયાત્રા રુટની સુરક્ષા અંગે સમીક્ષા કરી. હર્ષ સંઘવીએ રથયાત્રાના રૂટનું પગપાળા નિરીક્ષણ કર્યું હતું. વિવિધ વિસ્તારોમાં સ્થાનિકો દ્વારા હર્ષ સંઘવીનું સ્વાગત કરાયું હતું. સર્કિટ હાઉસમાં ઉચ્ચ સ્તરીય બેઠક બાદ રૂટનું નિરીક્ષણ કર્યું હતું. આ સાથે હર્ષ સંઘવીએ ભગવાન જગન્નાથજીના દર્શન પણ કર્યા હતા.
અમદાવાદમાં દર વર્ષે રથ યાત્રામાં શણગારેલા ગજરાજ પણ જોડાતા હોય છે. કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેના માટે આ ગજરાજનું મેડિકલ ચેકઅપ પણ થાય છે. અત્યાર સુધી રથયાત્રામાં આવો કોઈ બનાવ બન્યો નથી. પશુપાલન વિભાગ,વન વિભાગ અને ઝુ ઓથોરિટીના ડોક્ટરો એ તેમનું મેડિકલ ચેકઅપ કર્યું હતું. મેડિકલ ચેકઅપના રિપોર્ટ બાદ તેમને રથ યાત્રા માટે મંજૂરી મળે છે.
રથયાત્રા અસલ પરંપરાગત માર્ગો પર ફરશે. રથયાત્રામાં શણગારેલા ગજરાજ જોડાશે.101 ભારતીય સંસ્કૃતિ પ્રતિકૃતિ દર્શવાતા ટ્રકો પણ જોડાશે.30 અખાડા, 18 ભજન મંડળી,3 બેન્ડબાજા પણ રથયાત્રામાં જોડશે. અધોધ્યા, નાસિક,ઉજ્જૈન, જગન્નાથપુરી સહિતના શહેરોમાંથી 2000 જેટલા સાધુ સંતો પણ આ રથયાત્રામાં હાજરી આપશે.
રથયાત્રા 2023ને લઈ પોલીસની ટીમ સોશિયલ મીડિયાના પોસ્ટ પર પણ નજર રાખશે. ઉશ્કેરીજનક પોસ્ટ કરનાર તત્વો સામે કાર્યવાહી પણ કરવામાં આવશે તેવું પણ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે. હાલ સમગ્ર રૂટ પર પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે. છરી અને ગેરકાયદે હથિયાર સાથે હાલ સુધીમાં 1200થી વધુ આરોપીની ધરપકડ થઇ છે. જોકે 142 વોન્ડેટ આરોપીઓને પણ પકડવામાં આવ્યા છે.