અમદાવાદ : અમદાવાદના એક પછી એક બ્રિજ વિવાદમાં આવી રહ્યા છે. હાટકેશ્વર બ્રિજ, શાસ્ત્રી બ્રિજ બાદ વધુ એક બ્રિજ વિવાદમાં આવ્યો છે. હકીકતમાં હવે અમદાવાદ શહેરના સનાથલ સર્કલ પાસે આવેલો ઓવરબ્રિજ વિવાદમાં સપડાયો છે. અમદાવાદનો સૌથી વધુ વાહનોની અવરજવર ધરાવતા એસજી હાઈવે પરના સનાથલ ચોકડી પર આવેલા બ્રીજનું ઉદઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ કાર્યક્રમમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ વર્ચ્યુઅલી જોડાયા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે વર્ચ્યુઅલી લોકાર્પણ કરવામાં આવેલા બ્રિજમાં મસમોટા ખાડા પડી જતાં ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે.
આપને જણાવી દઈએ કે સનાથલ ઓવરબ્રિજના લોકાર્પણના 3 મહિનામાં જ બ્રિજમાં ખાડા પડી ગયા છે. રૂપિયા 97 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા સનાથલ ઓવરબ્રિજ પર ત્રણ મહિનામાં જ મોટા માટા ખાડા પડી ગયા છે.સનાથલ બ્રિજથી રિંગરોડ તરફના રસ્તા પર દરરોજના હજારો વાહનો પસાર થાય છે. ત્યારે બ્રિજ પર ઠેર ઠેર ખાડાઓના સામ્રાજ્ય વચ્ચે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. હજુ તો હાટકેશ્વર બ્રિજનો વિવાદ સમ્યો નથી ત્યાં વધુ એક બ્રીજમાં ભ્રષ્ટાચારની પોલ ખોલી દેતાં એએમસીની ટીમ કામે લાગી ગઈ છે. બ્રિજનું સમારકામ શરૂ કરીને એએમસીને ટીમ ઢાંકપિછોડો કરી રહી છે.