ન્યૂૂયોર્ક : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાર દિવસીય અમેરિકાના પ્રવાસે છે. મંગળવારે ન્યૂયોર્ક પહોંચેલા પીએમ મોદી આગામી કેટલાક દિવસો દરમિયાન અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે. જેમાં સંયુક્ત રાષ્ટ્રમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર આયોજિત કાર્યક્રમનો સમાવેશ થાય છે. આ દરમિયાન ટ્વિટરના CEO ઈલોન મસ્ક પીએમ મોદીને મળ્યા હતા. એલન મસ્કે લોટે ન્યૂયોર્ક પેલેસ હોટેલમાં PM મોદીને મળ્યા બાદ ભારત આવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે તેઓ આવતા વર્ષે ભારતની મુલાકાત લેશે.
પોતાને મોદીના પ્રશંસક ગણાવતા એલોન મસ્કે કહ્યું કે, હું ભારતના ભવિષ્યને લઈને ખૂબ જ ઉત્સાહિત છું. મને લાગે છે કે વિશ્વના કોઈપણ દેશ કરતાં ભારતમાં વધુ સંભાવનાઓ છે. હું કહી શકું છું કે PM મોદી ભારત માટે યોગ્ય વસ્તુઓ કરવા માંગે છે. નવી કંપનીઓ અંગે તેમનો અભિગમ ખૂબ જ ઉદાર છે. તે પોતાના દેશમાં નવી કંપનીઓને ખુલ્લા હાથે આવકારવા માંગે છે. હું મોદીનો ચાહક છું. મસ્કે PM મોદી સાથે મુલાકાત વિશે વાત કરતા જણાવ્યું કે, આ વાતચીત ખૂબ જ સારી રહી. ખૂબ સારી વાતચીત હતી. હું આગલા વર્ષે ભારત આવવાની યોજના બનાવી રહ્યો છું.
PM મોદી સાથેની મુલાકાત વિશે પૂછવા પર મસ્કે કહ્યું કે, મોદી તેમના દેશની ખૂબ ચિંતા કરે છે. એટલા માટે તેઓ ભારતમાં રોકાણ કરવા માટે ખૂબ જ સક્રિય છે. અમે પણ ભારતમાં રોકાણની તકો શોધી રહ્યા છીએ. અમે ફક્ત યોગ્ય સમય શોધી રહ્યા છીએ. મસ્કે કહ્યું કે, તે ભારતમાં બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સેવા સ્ટારલિંક લાવવા માંગે છે. આનાથી ગ્રામીણ વિસ્તારોમાં એવા લોકોને મદદ મળશે જેમની પાસે ઈન્ટરનેટ નથી.
ઈલોન મસ્કે PM મોદીના વખાણ કરતા કહ્યું કે, હું ભારતના ભવિષ્યને લઈને ખૂબ જ ઉત્સાહિત છું. PM મોદી તેમના દેશ માટે ખૂબ પ્રેમ અને કાળજી રાખે છે. એટલા માટે તેઓ અમને ભારતમાં રોકાણ કરવા પ્રેરણા આપે છે.
PM મોદી ઉપરાંત ન્યૂયોર્કમાં એલન મસ્ક અને અન્ય ઘણા રોકાણકારો, પ્રોફેસરો અને વૈજ્ઞાનિકોને મળ્યા હતા. PMને મળ્યા બાદ નિબંધકાર અને આંકડાશાસ્ત્રી પ્રોફેસર નસીમ નિકોલસ તાલેબે કહ્યું કે અમારી મુલાકાત શાનદાર રહી. મેં ભારતની કોરોના માટેની તૈયારીઓ માટે પ્રશંસા કરી છે. ખાસ કરીને ભારતે જે કાર્યક્ષમતા સાથે કોરોનાનો સામનો કર્યો છે તે પ્રશંસનીય છે.
જણાવી દઈએ કે PM મોદી ભારતીય સમય અનુસાર ગઈકાલે એટલે કે મંગળવારે રાત્રે અમેરિકા પહોંચ્યા હતા. PM મોદીનું અમેરિકા પહોંચતા જ એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. PM મોદીના સ્વાગત માટે ન્યૂયોર્ક એરપોર્ટ પર મોટી સંખ્યામાં ભારતીય અમેરિકનો એકઠા થયા હતા. આ પછી PM મોદીની અમેરિકાની મોટી હસ્તીઓ સાથે મુલાકાતનો તબક્કો શરૂ થયો છે.