અમદાવાદ : મેડિસિટીની બી.જે. મેડિકલ કોલેજમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Yoga Day) ની ઉજવણી કરાઇ હતી. ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા અને અમદાવાદ સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષી પણ જોડાયા હતા. ૯ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે અમદાવાદ સિવિલ મેડિસિટીની બી.જે. મેડિકલ કોલેજમાં તબીબો દ્વારા યોગ કરવામા આવ્યાં.
હર ઘર આંગણે યોગ થીમ આધારિત થઈ રહેલ ૯ માં વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં સિવિલ હોસ્પિટલના સ્વાસ્થ્ય કર્મીઓએ યોગાસન કરીને તંદુરસ્તીનો સંદેશ પાઠવ્યો હતો. વર્ષ 2015 થી દર વર્ષે 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Yoga Day) તરીકે ઉજવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસના આયોજનનો મુખ્ય હેતુ શારીરિક, મનોવૈજ્ઞાનિક અને ભાવનાત્મક સુખાકારી વધારી યોગની અપાર સંભાવનાઓને પ્રકાશિત કરવાનો છે.
બી.જે.મેડિકલ કોલેજમાં આયોજિત યોગ કાર્યક્રમમાં અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા, સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ રાકેશ જોશી, હોસ્પિટલના વિવિધ વિભાગોના વડા, તબીબો, નર્સિંગ સ્ટાફ, મેડિકલ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા.